
વડોદરા , 04 ઓગસ્ટ (હિ.સ.) તાંદલજા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં યુવતીના કરુણ મોત બાદ આજે વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. એડવોકેટ અશફાક મલેકની આગેવાનીમાં પરિવારજનો અને સ્થાનિકોનું પ્રતિનિધિમંડળ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળ્યું હતું અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી તેમજ મૃતકના પરિવારને વળતર આપવાની માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, તાંદલજા વિસ્તારમાં રહેતી માહીન સૈયદનું બે દિવસ અગાઉ ટુ-વ્હીલર પર જતી વખતે માર્ગ અકસ્માતમાં દુઃખદ મોત થયું હતું. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે રસ્તા પર પડેલા ખાડાને કારણે યુવતીએ અચાનક બ્રેક મારવી પડી હતી. જેના કારણે તે સંતુલન ગુમાવી રોડ પર પડી ગઈ હતી અને પાછળથી આવી રહેલા રોડ રોલરની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રતિનિધિમંડળે રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે પડેલા ખાડા અંગે એક સપ્તાહ અગાઉ જ મહાનગરપાલિકાની સંબંધિત વોર્ડ ઓફિસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર સમારકામ કરવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં જવાબદાર અધિકારીઓ સામે કડક વિભાગીય કાર્યવાહી કરવાની, માર્ગ જાળવણીમાં થયેલી બેદરકારીની તપાસ કરાવવાની તેમજ મૃતક માહીન સૈયદના પરિવારને ₹10 લાખનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત સ્વીકારી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના બાદ શહેરમાં રસ્તાઓની જાળવણી અને ચોમાસા દરમિયાન પડતા ખાડાઓને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. જોકે, રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપો અંગેનો અંતિમ નિષ્કર્ષ સંબંધિત તંત્રની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ