
અમરેલી,, 04 ઓગસ્ટ (હિ.સ.
જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા બળદેવ સોલંકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બળદેવ સોલંકીને પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયત કરવામાં આવી હતી. જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને અમદાવાદ સ્થિત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ બળદેવ સોલંકી વિરુદ્ધ મિલકત સંબંધિત વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા. તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. સત્તાધિકારીની મંજૂરી મળ્યા બાદ તેની અટકાયત કરીને કડક કાર્યવાહી અમલમાં મુકવામાં આવી હતી.
પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો પર અંકુશ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ અથવા ગુનાહિત પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai