
ભાવનગર,04 ઓગસ્ટ (હિ.સ.) પ્રખ્યાત હાસ્ય કલાકાર અને જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદીએ શિક્ષણ ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સખાવત કરી છે. પોતાના હાસ્ય કાર્યક્રમો દ્વારા ભંડોળ એકત્ર કરીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સતત સેવાકાર્ય કરતા જગદીશ ત્રિવેદીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ અને પાલડી ગામમાં નવા શાળા ભવનના નિર્માણ માટે આર્થિક સહયોગ આપ્યો છે.
સોનગઢના મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા તેમજ પાલડી સ્થિત સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળાના નવા ભવન માટે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાદગીપૂર્ણ રીતે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે કોઈ ભવ્ય સમારંભ કે સન્માન વિના શાળાની જ એક કન્યાના હસ્તે શ્રીફળ વધેરીને શુભ મુહૂર્ત કરવામાં આવ્યું, જે જગદીશ ત્રિવેદીની સાદગી અને સેવાભાવને ઉજાગર કરે છે.
આ પ્રસંગે જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ કોઈ ઉપકાર કરતા નથી, પરંતુ સમાજસેવાનું માત્ર એક નિમિત્ત છે. તેથી તેમને કોઈ સન્માન કે અભિવાદનની જરૂરિયાત નથી અને સમાજના સહયોગથી શિક્ષણ માટેનું આ કાર્ય આગળ વધી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખોડિયાર માતાજીના પાવન ધામ માટેલ ખાતે સર્વોદય સેવા સંઘ સંચાલિત શાળા માટે પણ નવા ભવનના નિર્માણનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ એકસાથે ત્રણ શાળાઓના ભવન નિર્માણની શરૂઆત થતાં ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ જગદીશ ત્રિવેદીના આ સેવાભાવી પ્રયાસને બિરદાવી તેમના શિક્ષણપ્રેમ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA