
સુરત, 04 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. મળેલી બાતમીના આધારે પોલીસે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ નજીક કાર્યવાહી કરી 26 વર્ષીય કરણ હમીર ખસીયાને સગીરા સાથે ડિટેઇન કર્યો હતો. આરોપી મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભેગાલીગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ મુજબ, 23 જુલાઈના રોજ મહુવા તાલુકાના કરમદિયા ગામની વાડી વિસ્તારમાંથી સગીરા ગુમ થઈ હતી. પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીએ લગ્નની લાલચ આપી સગીરાને પોતાની સાથે લઈ જઈ અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે બગદાણા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી સગીરા સાથે શહેરમાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરીને બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપી અને સગીરાને આગળની તપાસ અને કાર્યવાહી માટે ભાવનગરના બગદાણા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે