
રાજપીપળા,04 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાવો દિવસ’ની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન નર્મદા ટીમ દ્વારા રાજપીપળા કન્યા છાત્રાલય ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના ઉદ્દેશો અંગે વિસ્તૃત
માર્ગદર્શન આપવામાં આવ્યું.
દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, તેમને સમાન અધિકારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ થાય તેમજ તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર બને તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
181 અભયમ મહિલા હેલ્પલાઇન નર્મદા ટીમ દ્વારા ઘરેલુ હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ
સહિત મહિલાઓ સામે સર્જાતી વિવિધ કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24×7 નિઃશુલ્ક ઇમરજન્સી
પ્રતિસાદ સેવા, કાઉન્સેલિંગ, પોલીસ સહાય, કાનૂની માર્ગદર્શન તેમજ અન્ય જરૂરી સહાય સેવાઓ અંગે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરાયા હતાં.
આ ઉપરાંત 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન નર્મદા ટીમ દ્વારા બાળમજૂરી, બાળલગ્ન, બાળ શોષણ, બાળ
તસ્કરી તથા સંકટગ્રસ્ત બાળકો માટે ઉપલબ્ધ 24×7 નિઃશુલ્ક બચાવ, કાઉન્સેલિંગ, પુનર્વસન અને સુરક્ષા સેવાઓ અંગે માહિતી આપવામાં આવી. જરૂરિયાતના સમયે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનનો તાત્કાલિક સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન દીકરીઓને મહિલા અને બાળ સુરક્ષા અંગે સજાગ રહેવા, પોતાના અધિકારો વિશે માહિતગાર બનવા તેમજ કોઈપણ મુશ્કેલીની પરિસ્થિતિમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનની સેવાઓનો નિર્ભયપણે ઉપયોગ કરવા પ્રેરિત કરાયા હતાં.
આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના ઉદ્દેશોને, વધુ મજબૂત
બનાવવાની સાથે દીકરીઓના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા અંગે અસરકારક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ