વડોદરા એરપોર્ટ પર 'ભારત ટેક્સી' સેવાનો પ્રારંભ, ડ્રાઇવરો અને મુસાફરોને મળશે સીધો લાભ
વડોદરા, 04 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા એરપોર્ટ ખાતે સ્વદેશી અને સહકારી મોડેલ પર આધારિત ''ભારત ટેક્સી'' (Bharat Taxi) સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટનો હેતુ ટેક્
એરપોર્ટ


વડોદરા, 04 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા એરપોર્ટ ખાતે સ્વદેશી અને સહકારી મોડેલ પર આધારિત 'ભારત ટેક્સી' (Bharat Taxi) સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટનો હેતુ ટેક્સી માલિકો અને ડ્રાઇવરોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાનો તેમજ મુસાફરોને સુરક્ષિત અને કિફાયતી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાનો છે.

ભારત ટેક્સી પ્લેટફોર્મ દ્વારા મળતા ભાડાનો મોટો હિસ્સો સીધો જ ડ્રાઇવરોને મળશે, જેથી તેમની આવકમાં વધારો થશે. સાથે જ ડ્રાઇવરોને માલિકી હકનો લાભ પણ મળશે, જે આ પહેલને અન્ય ટેક્સી પ્લેટફોર્મથી અલગ બનાવે છે.

મુસાફરો માટે પણ આ સેવા અનેક રીતે લાભદાયી રહેશે. કિફાયતી ભાડા સાથે ગુણવત્તાસભર સેવા ઉપરાંત મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ₹5 લાખ સુધીનું વીમા કવર ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા ટ્રાફિક ડીસીપી જે. આઈ. વસાવા, એસીપી ડી. એમ. વ્યાસ, એરપોર્ટ ડિરેક્ટર, સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર અનિલ કુમાર સિંહ તેમજ ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલ કિશોર સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વક્તાઓએ જણાવ્યું હતું કે 'ભારત ટેક્સી' સંપૂર્ણપણે સ્વદેશી પહેલ છે અને તેને આગામી સમયમાં દેશના વિવિધ એરપોર્ટ અને શહેરોમાં તબક્કાવાર રીતે વિસ્તૃત કરવામાં આવશે. આ પહેલથી સ્થાનિક ડ્રાઇવરોને રોજગારીની નવી તકો મળશે, જ્યારે મુસાફરોને પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય ટેક્સી સેવા પ્રાપ્ત થશે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને આત્મનિર્ભર ભારત અને સહકારિતાના મોડેલને મજબૂત બનાવતી મહત્વપૂર્ણ પહેલ ગણાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande