
જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) જામનગરમાં ફરી એકવાર ગાયોમાં લમ્પી રોગ ફેલાયો હોવાની આશંકાએ પશુપાલકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. શહેરના રણજીત સાગર માર્ગ નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં આજે સવારે ત્રણ ગાયોના શરીર પર ગાંઠો જોવા મળતા લમ્પી રોગના લક્ષણોની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.લમ્પી રોગથી સંક્રમિત ગાયોમાં શરીર પર ગાંઠો ઊભી થવી, ભારે તાવ આવવો, દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવો, પગમાં સોજો આવવો તેમજ આંખ અને નાકમાંથી સતત પ્રવાહી નીકળવા જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો દેખાતા પશુઓને અન્ય પશુઓથી અલગ રાખી તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.સ્થાનિકોમાં એવી માંગ ઉઠી છે કે, જે ત્રણ ગાયોમાં લમ્પી જેવા લક્ષણો જોવા મળ્યા છે તેમની તાત્કાલિક તબીબી તપાસ કરવામાં આવે અને જો લમ્પી રોગની પુષ્ટિ થાય તો વિલંબ વિના સારવાર શરૂ કરવામાં આવે. સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ પશુ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે, જરૂરી દવાઓનો છંટકાવ અને સાવચેતીના પગલાં લેવામાં આવે તેવી પશુપાલકોની માંગ છે.પશુ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લમ્પી રોગ મુખ્યત્વે મચ્છર, માખી, ઈતરડી, બગાઈ જેવા જીવજંતુઓના કરડવાથી તેમજ દૂષિત ખોરાક અને પાણી મારફતે એક ગાયમાંથી બીજી ગાયમાં ફેલાઈ શકે છે. આ રોગ ચેપી સ્વરૂપનો હોવાથી સમયસર નિયંત્રણના પગલાં લેવામાં ન આવે તો વધુ પશુઓને તેની અસર થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt