
અમરેલી,, 04 ઓગસ્ટ (હિ.સ.) રાજુલા તાલુકાના ખેરા ગામે શ્રી બજરંગદાસબાપના તૃતીય પાટોત્સવ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે 5 કુંડી વિષ્ણુયાગ તથા મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં સંત-મહંતો, આગેવાનો તેમજ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્વાન બ્રાહ્મણોના સાનિધ્યમાં યજ્ઞવિધિ સંપન્ન થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો.
આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ઉપસ્થિત રહી યજ્ઞમાં પૂર્ણાહુતિ અર્પણ કરી હતી અને શ્રી બજરંગદાસબાપના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે આયોજકોને તૃતીય પાટોત્સવની શુભેચ્છા પાઠવી હતી તેમજ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, પૂજન-અર્ચન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ યજ્ઞમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર આયોજન શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થતાં ગ્રામજનો અને આગંતુકોએ આયોજક મંડળની પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai