
જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ગુનો નોંધાયો છે, જેના કારણે તેમની સામેની ફરિયાદોની સંખ્યા પાંચ પર પહોંચી છે. એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે કે, સંજય ચેતરિયાએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી બળજબરીપૂર્વક રૂ.3 લાખ પડાવ્યા હતા અને વધુ રૂ.2 લાખની માંગણી કરી હતી.
પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા અને પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા નયનભાઈ સુરેશભાઈ ભાયાણીએ, આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, સંજય ચેતરિયા તેમના હાપા વેરહાઉસ પાછળ આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉન પર પહોંચ્યા હતા.
ગોડાઉનમાં રહેલા સસ્તા અનાજના ઘઉંનો વીડિયો ઉતારી સંજય ચેતરિયાએ નયનભાઈને પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી પકડાવી દેવાની ધમકી આપી હતી.
Oઆ ઉપરાંત, પોતાની 'સનાતન સત્ય સમાચાર' યુટ્યુબ ચેનલમાં વીડિયો મૂકી તેમનો વેપાર-ધંધો બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હતી. વેપાર ચાલુ રાખવા માટે રૂપિયા આપવા પડશે તેમ કહી ગેરશબ્દો બોલવામાં આવ્યા હતા અને મોબાઇલ ફોન તથા વોટ્સએપ કોલ મારફતે પણ સતત ધમકીઓ આપવામાં આવી હતી.
ફરિયાદ અનુસાર, સંજય ચેતરિયાએ વેપારીને મૃત્યુનો ભય ઉભો કરી પોતાના સાગરીત દીપકભાઈને મોકલી બળજબરીપૂર્વક રૂ.3 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વધુ રૂ.2 લાખ મેળવવા માટે પણ ધમકીઓ ચાલુ રાખી કાવતરું રચ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદના આધારે પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંજય ચેતરિયા, દીપકભાઈ તથા તપાસ દરમિયાન નામ ખુલતા અન્ય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(5), 356(1), 351(3), 352 અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt