
અમરેલી04 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામ નજીક રેલવે ટ્રેક પર એકસાથે પાંચ એશિયાટિક સિંહ આવી ચડતાં એક મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર અને વન વિભાગે તાત્કાલિક સજાગતા દાખવી ટ્રેનને રોકી દીધી હતી. સમયસર લેવાયેલા નિર્ણયના કારણે પાંચેય સિંહો સુરક્ષિત રીતે ટ્રેક પરથી જંગલ તરફ પરત ફરી ગયા હતા.
મળતી માહિતી મુજબ રેલવે ટ્રેક પર સિંહોની અવરજવર જોવા મળતાં સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનની ગતિ રોકી સિંહોને ટ્રેક પરથી દૂર જવાની તક આપવામાં આવી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હતી અને સિંહો સુરક્ષિત રીતે જંગલમાં પહોંચી ગયા બાદ જ રેલવે વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની વધતી સંખ્યાને કારણે તેઓ ઘણીવાર રેલવે ટ્રેક અને માર્ગો પર જોવા મળે છે. આવી સ્થિતિમાં રેલવે અને વન વિભાગ વચ્ચેનું સંકલન વન્યજીવોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. સ્થાનિકોએ પણ તંત્રની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવ સુરક્ષા માટે સતત સતર્ક રહેવાની જરૂરિયાત ઉજાગર કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai