
ગીર સોમનાથ 04 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદના વિશ્વયક પ્રમુખ સતિષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોન 3ના પ્રમુખ પાર્થભાઈ ગીરીશભાઈ કોટેચાની વરણી બાદ પ્રથમ બેઠક સોમનાથ ખાતે યોજાઈ હતી. આ બેઠક ભરતભાઈ ચોલેરાની હોટલ આદિત્ય સોમનાથ ખાતે સ્થાનિક માજનના હોદ્દેદારોના યજમાનપદે યોજાઈ હતી. અગાઉ, નીતિનભાઈ રાયચુરાની અધ્યક્ષતામાં સરસ્વતી સન્માન સમારોહ અને હોદ્દેદારોનો શપથવિધિ કાર્યક્રમ જૂનાગઢ ખાતે યોજાયો હતો.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજના છેવાડાના લોહાણા પરિવાર સુધી પહોંચવાનો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ ઉપરાંત કેશોદ, માંગરોળ, વિસાવદર, મેંદરડા, માણાવદર ગીરગઢડા, કોડીનાર, ઉના અને તાલાલા સહિતના તાલુકાના હોદ્દેદારોની નિમણૂક બાદ આ બેઠક યોજાઈ હતી.
મહાપરિષદની શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, જોબ પોર્ટલ અને લગ્ન સેતુ સહિતની સહાય યોજનાઓ માટે સંપર્ક કરવા અંગે ચર્ચા થઈ હતી. હોદ્દેદારોની સંપૂર્ણ વિગત સાથેની ડિરેક્ટરી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. લોહાણા કનેક્ટ એપમાં જોડાવા અંગે જાગૃતિ લાવવા અને છેવાડાના લોહાણા સમાજના પરિવાર સુધી પહોંચવા પ્રયાસો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રયાસના ભાગરૂપે ગીર સોમનાથ વેરાવળ રીજીનલ પ્રમુખ ચિરાગભાઈ કક્કડ, ઉપપ્રમુખ ભરતભાઈ સોમૈયા, સેક્રેટરી જયેશભાઈ શિંગાળા, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ સહિત વેરાવળ તાલુકાના પ્રમુખ રવિભાઈ સામાણી, નરેન્દ્રભાઈ પોપટ, સુજીતભાઈ રતનધાયરા, રિતેશભાઈ ઠકરાર અને મહાપરિષદની મધ્યસ્થ મહાસમિતિના અશોકભાઈ ગદા, ભરતભાઈ ચોલેરા, ગીરીશભાઈ ઠક્કર, જીતેન્દ્રભાઈ ખખ્ખર, પ્રકાશભાઈ તન્ના સહિતના સ્થાનિક માજનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જૂનાગઢના ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અને ગીર સોમનાથ ભાજપ તથા સમાજ અગ્રણી ઝવેરીભાઈ ઠકરારની પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી.
પાર્થભાઈ કોટેચાએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર ઝોન 3, જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકાના લોહાણા મહાજન સાથે જોડાઈ મહાપરિષદના નિયુક્ત થયેલ હોદ્દેદારોને જવાબદારી સોંપવાનો મુખ્ય ઉદ્દેશ હતો. તેમણે મહાપરિષદની સ્થાપનાના 75 વર્ષ 2027માં પૂર્ણ થતા હોવાથી મુંબઈ ખાતે જીઓ વર્લ્ડ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાનાર વિશ્વ કક્ષાના વ્યવસાયિક ક્ષેત્રના LIBF (લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ) ના ભવ્ય એક્ઝિબિશન અંગે માહિતી આપી હતી.
વિવિધ હોદ્દેદારો દ્વારા લોહાણા મહાપરિષદ દ્વારા અપાતી સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા વિંગના પ્રમુખ પૂજાબેન કારિયાએ ગૃહ ઉદ્યોગને વ્યવસાયિક ક્ષેત્રે વિકસાવવા માટે લોહાણા મહાપરિષદના LIBF પ્લેટફોર્મ થકી ગૃહિણીઓ પોતાની હુન્નરને વિશ્વ કક્ષાએ પહોંચાડી શકે તે અંગે માહિતી આપી હતી.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન 3ના પ્રેસિડેન્ટ પાર્થભાઈ કોટેચા, વાઈસ પ્રેસિડેન્ટ યતીનભાઇ કારીયા, કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, સેક્રેટરી વિજયભાઈ ખખ્ખર સહિત જૂનાગઢ અને ગીર સોમનાથ તાલુકાના હોદ્દેદારો અને મહિલા વિંગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ