સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત અભિયાન સફળતાના પંથે... ટી.બી.મુક્ત કામગીરીમાં સમગ્ર ઝોનમાં સોમનાથ જિલ્લો પ્રથમ ક્રમે
સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) એક સમયે અસાધ્ય ગણાતો ટી.બી.રોગ આજે રાજરોગ મટીને સામાન્ય રોગ બન્યો છે. પરંતુ શરત માત્ર એ છે કે, આ માટે યોગ્ય આહાર-વિહાર શૈલી અપનાવી અને નિયમિત રીતે ડૉક્ટરના દિશાદર્શનમાં યોગ્ય દવાઓ લેવી. સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લાને
સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત અભિયાન


સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) એક સમયે અસાધ્ય ગણાતો ટી.બી.રોગ આજે રાજરોગ મટીને સામાન્ય રોગ બન્યો છે. પરંતુ શરત માત્ર એ છે કે, આ માટે યોગ્ય આહાર-વિહાર શૈલી અપનાવી અને નિયમિત રીતે ડૉક્ટરના દિશાદર્શનમાં યોગ્ય દવાઓ લેવી. સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત કરવા માટે અભિયાનરુપે કામગીરી કરવામાં આવી રહી છે. જેને મોટી સફળતા મળી છે અને ગીર સોમનાથ જિલ્લાના 174 ગામો ટી.બી. મુક્ત કરી શકાયા છે.

‘નિક્ષય મિત્ર’ યોજના દ્વારા જિલ્લાના પ્રવર્તમાન ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ સહિતની દવાઓ આપવામાં આવી રહી છે, આ ઉપરાંત ટી.બી.વિભાગ દ્વારા તેમનું નિયમિત ચેકઅપ અને ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. જેના કારણે ગીર સોમનાથ જિલ્લો ટી.બી. નિર્મૂલનની દિશામાં અગ્રેસર બન્યો છે.

તાજેતરમાં ભાવનગર ખાતે ગ્રીપ-૨૦૨૫ અંતર્ગત ટી. બી. કામગીરી અંગે ગીર સોમનાથ જિલ્લા દ્વારા “Progress Toward TB-Free Gir Somnath Through Strengthened Diagnostics and Community Participation” વિષય પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ અંગેની વિગત આપતા જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લામાં ટી.બી. નિયંત્રણ અને નિર્મૂલન માટે કરવામાં આવતી વિવિધ કામગીરીની પ્રેઝન્ટેશનના માધ્યમથી અસરકારક રીતે રજૂઆત કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2023 થી અત્યાર સુધીમાં કલેક્ટરના સતત સહયોગથી ટી.બી. દર્દીઓ માટે પોષણ સહાય અને અન્ય જરૂરી કામગીરીને વેગ મળ્યો છે. આ સહયોગ અંતર્ગત વાર્ષિક આશરે રૂ. 78 લાખની સહાયથી 1200 થી વધુ ટી.બી. દર્દીઓને લાભ મળી રહ્યો છે.

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ફંડના સહયોગથી ટી.બી.ની ઝડપી તપાસ અને નિદાન માટે જરૂરી આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં ૫ અત્યાધુનિક ટ્રૂનાટ મશીનો તથા ૨ મોબાઈલ એક્સ-રે મશીનોનો સમાવેશ થાય છે. આ સાધનોના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ટી.બી.ની વહેલી તપાસ અને નિદાન વધુ અસરકારક બન્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સી.એસ.આર. કામગીરી કરતી કંપનીઓ તથા સંસ્થાઓ પણ ટી.બી. મુક્તિ અભિયાનમાં મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. તેમના સહયોગથી દર મહિને ૨૦૦થી વધુ ટી.બી. દર્દીઓને પોષણ કીટ તેમજ આરોગ્ય કેમ્પનો લાભ મળી રહ્યો છે. સાથે જ ધારાસભ્ય સહિતના સહયોગથી 100 થી વધુ ટી.બી. દર્દીઓને ઉત્તમ કક્ષાની પોષણ કીટનો લાભ આપવામાં આવી રહ્યો છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી દરિયાઈ પટ્ટીના સમુદાયના ટી.બી. દર્દીઓને દર મહિને આશરે 3000 કિલો રાશન પહોંચાડવામાં આવે છે, જે ટીબી દર્દીઓના પોષણ અને સારવારમાં ઉત્તમ યોગદાન બની રહ્યું છે.

ટી.બી. નિયંત્રણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ટી.બી. મુક્ત ગ્રામ પંચાયતોને દર વર્ષે જિલ્લા કલેક્ટરના હસ્તે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ વિવિધ ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓના સહયોગથી ૨૦૦થી વધુ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ટી.બી. અંગે સંદેશ આપતા ટી-શર્ટ અને ટોપીનું વિતરણ કરી ટી.બી. અંગે જનજાગૃતિ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં કરવામાં આવી રહેલા આ તમામ સંકલિત પ્રયાસોના પરિણામે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ટી.બી.થી થતા મૃત્યુદરમાં ઘટાડો, નવા ટી.બી કેસના દરમાં ઘટાડો તથા સારવારના સફળતા દરમાં વધારો નોંધાયો છે. સાથે જ જિલ્લામાં ૧૭૪ ગ્રામ પંચાયતો ટી.બી મુક્ત જાહેર થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ઝોનવાઈઝ પ્રેઝન્ટેશનના મૂલ્યાંકનમાં ગીર સોમનાથ જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિભાગીય નાયબ નિયામક ડો. હરેશ બી. વાળા દ્વારા જિલ્લા ક્ષય અધિકારી ડો. શીતલ રામને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ગીર સોમનાથ જિલ્લાની આ સિદ્ધિ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, જિલ્લા વહીવટીતંત્ર, વિવિધ સંસ્થાઓ, સી.એસ.આર. ભાગીદારો તથા સમુદાયની સતત મહેનત અને સહયોગનું પરિણામ છે. આ સિદ્ધિથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને વધુ વેગ મળ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande