
રાજપીપળા,04 ઓગસ્ટ (હિ.સ.) ભારત દેશના સ્વતંત્રતા પર્વ 15મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે નર્મદા જિલ્લાના સાગબારાની નવરચના હાઈસ્કૂલના મેદાન ખાતે રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહભેર યોજાશે. આ ઉજવણીનું આયોજન સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લગતી વિવિધ કામગીરીઓની વિગતવાર સમીક્ષા
કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન, સુરક્ષા, વાહન વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે સંબંધિત વિભાગોને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના
માન. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાનાર છે.
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વની ઉજવણી દેશના સ્વાતંત્ર્ય
સેનાનીઓના ત્યાગ અને બલિદાનને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવાનો અવસર છે.
આથી ઉજવણીની દરેક કામગીરી સમયબદ્ધ, સુઆયોજિત અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવામાં આવે તેમજ આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેની તમામ વિભાગો ખાસ કાળજી રાખે.
ઉજવણીના સફળ આયોજન માટે વિવિધ વિભાગોના અધિકારીઓની સમિતિઓની રચના કરી
જવાબદારીઓ સોંપવામાં આવી છે.
કલેક્ટરએ તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી જિલ્લા કક્ષાના આ રાષ્ટ્રીય પર્વને ભવ્ય અને યાદગાર બનાવવાની સૂચના આપી હતી.
જિલ્લાના નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંસ્થાઓ તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમ અને એકતાના આ પાવન પર્વમાં સહભાગી બને તેવું પણ આહ્વાન
કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ