
કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) અંજાર શહેરના વરસામેડી સીમ વિસ્તારમાં વિદેશી દારૂના ગેરકાયદેસર જથ્થાની હેરફેર કરતી ટોળકી સામે અંજાર પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો, એક બલેનો કાર, બે ટીવીએસ જ્યુપીટર સ્કૂટર અને મોબાઇલ ફોન સહિત કુલ ₹4,52,412નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગળપાદરના નવાવાસમાં રહેતો સચીન વિનોદભાઈ ચૌહાણ પોતાની સફેદ રંગની બલેનો કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી અન્ય વાહનો મારફતે તેની હેરફેર કરી રહ્યો છે. માહિતીના આધારે શાંતિધામ બુધવારી ગ્રાઉન્ડ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારના પાછળના ભાગમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત સ્થળ પરથી બે જ્યુપીટર સ્કૂટર પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દારૂની હેરફેરમાં થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કેસમાં સચીન વિનોદ ચૌહાણ ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાપર તાલુકાના કિડીયાનગરનો હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા વાઘેલા ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં દારૂના ગેરકાયદેસર ધંધા સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar