અંજાર સબ માર્કેટયાર્ડમાં વરસાદ બાદ ગંદકીનો કહેર! કાદવ, દુર્ગંધ અને પાણી ભરાવાથી ખેડૂતો-વેપારીઓ પરેશાન
કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) અંજાર શહેરના સવાસર નાકા નજીક આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સબ માર્કેટયાર્ડમાં વરસાદી માહોલ બાદ સર્જાયેલી ગંદકી અને અવ્યવસ્થાએ ખેડૂતો, વેપારીઓ તેમજ ખરીદદારો માટે રોજિંદી કામગીરી મુશ્કેલ બનાવી દીધી છે. શાકભાજીના જથ્થા
અંજાર sab માર્કેટમાં ગંદકી


કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) અંજાર શહેરના સવાસર નાકા નજીક આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સબ માર્કેટયાર્ડમાં વરસાદી માહોલ બાદ સર્જાયેલી ગંદકી અને અવ્યવસ્થાએ ખેડૂતો, વેપારીઓ તેમજ ખરીદદારો માટે રોજિંદી કામગીરી મુશ્કેલ બનાવી દીધી છે. શાકભાજીના જથ્થાબંધ વેપાર માટે જાણીતી આ માર્કેટમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે ચારે તરફ કાદવ, ગંદુ પાણી અને સડેલા શાકભાજીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. પરિણામે સમગ્ર વિસ્તાર અસહ્ય દુર્ગંધથી ઘેરાઈ ગયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દરરોજ વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની તાજી ખેતપેદાશો વેચવા માટે અહીં પહોંચે છે, જ્યારે વેપારીઓ અને ગ્રાહકો પણ ખરીદી-વેચાણ માટે ઉમટી પડે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં માર્કેટમાં ચાલવું પણ જોખમભર્યું બની ગયું છે. કાદવથી ભરાયેલા રસ્તાઓ અને લપસણી સપાટીના કારણે અનેક વાહનચાલકો સંતુલન ગુમાવી સ્લીપ થવાના બનાવો સામે આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ભારે વાહનો અને હેન્ડકાર્ટની અવરજવર પણ મુશ્કેલ બની જતાં વેપારની ગતિ પર સીધી અસર પડી રહી છે.

સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટમાં નિયમિત સફાઈ અને કચરાના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા જોવા મળતી નથી. વરસાદી દિવસોમાં સડેલા શાકભાજી અને ભરાયેલા ગંદા પાણીના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જો સમયસર સફાઈ અને ડ્રેનેજની સુવિધા મજબૂત નહીં બનાવાય તો ચેપી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

વિશેષ વાત એ છે કે આ સબ માર્કેટયાર્ડમાંથી બજાર સમિતિને દર વર્ષે લાખો રૂપિયાની આવક થતી હોવા છતાં જાળવણી અને મૂળભૂત સુવિધાઓના વિકાસમાં પૂરતું ધ્યાન અપાતું નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવા છતાં તેના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક આયોજન અમલમાં આવ્યું નથી. ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ઊભી કરવા તેમજ માર્કેટયાર્ડને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાની માંગ ઉઠાવી છે, જેથી ખેતી આધારિત આ મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર ફરીથી સુચારૂ રીતે કાર્યરત રહી શકે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande