ભચાઉના ચોબારીમાં 108ની જીવદાયી કામગીરી: રસ્તામાં જ એમ્બ્યુલન્સ બની પ્રસૂતિખંડ, સ્વસ્થ બાળકીના જન્મથી પરિવાર ખુશખુશાલ
કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં 108 ઇમરજન્સી આરોગ્ય સેવાની સતર્કતા, ઝડપી પ્રતિસાદ અને તબીબી કુશળતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. અચાનક પ્રસૂતિની વેદના શરૂ થતાં ગર્ભવતી મહિલા પાર્વતીબેન દિનેશભાઈ કોલીના પરિવારજનો ગભરાઈ
ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં 108માં ડિલિવરી


કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં 108 ઇમરજન્સી આરોગ્ય સેવાની સતર્કતા, ઝડપી પ્રતિસાદ અને તબીબી કુશળતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. અચાનક પ્રસૂતિની વેદના શરૂ થતાં ગર્ભવતી મહિલા પાર્વતીબેન દિનેશભાઈ કોલીના પરિવારજનો ગભરાઈ ગયા હતા. સમયની ગંભીરતા સમજી તેમણે તરત જ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો, જેના પગલે મનફરા IFT 108ની ટીમ વિલંબ વિના સ્થળ પર પહોંચી ગઈ હતી.

એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) હર્ષદ ઝાલા અને પાઇલોટ શક્તિસિંહ જાડેજાએ પરિસ્થિતિનું ઝડપથી મૂલ્યાંકન કર્યું હતું. હોસ્પિટલ સુધી પહોંચવામાં સમય લાગી શકે તેવી સ્થિતિ સર્જાતા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ERCPના ડૉ. કરણના ઓનલાઈન માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સને જ તાત્કાલિક પ્રસૂતિખંડમાં ફેરવી દેવામાં આવી અને તમામ જરૂરી તકેદારી સાથે સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

ટીમની કુશળ કામગીરીના પરિણામે પાર્વતીબેને એક તંદુરસ્ત બાળકીનો જન્મ આપ્યો હતો. માતા અને નવજાત બંનેની તબિયત સ્થિર હોવાનું નિશ્ચિત થયા બાદ તેમને વધુ સારવાર અને જરૂરી નિરીક્ષણ માટે ભચાઉ સમુદાય આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાએ 108 ઇમરજન્સી સેવાની કાર્યક્ષમતા અને તાત્કાલિક આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા ફરી એકવાર સાબિત કરી છે.

આ સફળ કામગીરી બદલ 108 સેવાના પ્રોગ્રામ મેનેજર ડૉ. ભંવર પ્રજાપતિ તેમજ EME પરાગ ચંદલીયાએ EMT હર્ષદ ઝાલા અને પાઇલોટ શક્તિસિંહ જાડેજાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમયસર લેવાયેલા યોગ્ય નિર્ણયો અને ટીમવર્કના કારણે માતા અને નવજાત બંનેનું જીવન સુરક્ષિત રહી શક્યું છે.

ચોબારી ગામની આ ઘટના એ દર્શાવે છે કે કટોકટીની ઘડીમાં 108 ઇમરજન્સી સેવા માત્ર દર્દીને હોસ્પિટલ પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ જરૂરિયાત ઊભી થાય ત્યારે રસ્તામાં જ જીવન બચાવતી સારવાર પૂરી પાડી અનેક પરિવારો માટે આશાનું કિરણ પણ બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande