નારી વંદન સપ્તાહમાં ઢોરી હાઈસ્કૂલમાં માસિક સ્વચ્છતા અંગે અનોખી પહેલ, કિશોરીઓને આરોગ્ય જાગૃતિ સાથે સેનિટરી પેડ્સનું વિતરણ
કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) ભુજ તાલુકાની ઢોરી હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના ''નારી વંદન સપ્તાહ'' અંતર્ગત કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સશક્તિકરણને કેન્દ્રસ્થાને રાખીને માસિક સ્વચ્છતા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા
ઢોરી ખાતે નારી વંદન કાર્યક્રમ


ઢોરી ખાતે નારી વંદન કાર્યક્રમ


કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) ભુજ તાલુકાની ઢોરી હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સશક્તિકરણને કેન્દ્રસ્થાને રાખીને માસિક સ્વચ્છતા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓને માસિક ધર્મ અંગે વૈજ્ઞાનિક સમજણ આપવાની સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુમરાસર શેખ દ્વારા આયોજિત આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીની દેખરેખ હેઠળ યોજાયો હતો. પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિ બાવરવા તેમજ મેડિકલ ઓફિસર ડૉ. જીતેન્દ્ર નોરિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમે કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્વ સરળ ભાષામાં સમજાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સેનિટરી પેડ્સનો યોગ્ય ઉપયોગ, સમયસર પેડ્સ બદલવાની જરૂરિયાત, શરીરમાં થતા કુદરતી ફેરફારો, સંતુલિત આહાર, આયર્ન અને ફોલિક એસિડનું મહત્વ તેમજ એનિમિયાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ માસિક ધર્મને લગતી સમાજમાં પ્રચલિત ગેરમાન્યતાઓ દૂર કરવા વૈજ્ઞાનિક અભિગમ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ અપાયા હતા.

માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓ દ્વારા માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તમામ કિશોરીઓને સેનિટરી પેડ્સ અને એનિમિયા નિવારણ માટે ફોલિક એસિડની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એફએચએસ મંજુબેને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવા પેનનું વિતરણ કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કાઉન્સેલર કાનજીભાઈ, સીએચઓ, એફએચડબ્લ્યુ, એમપીએચડબ્લ્યુ, આશા કાર્યકરો તેમજ ઢોરી હાઈસ્કૂલના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે કિશોરીઓને માસિક સ્વચ્છતાને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાની સાથે આરોગ્ય પ્રત્યે સજાગ રહી એનિમિયા મુક્ત અને સશક્ત સમાજના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande