

કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) કચ્છ જિલ્લામાં સીઝનના બીજા જ ભારે વરસાદે ગાગોદર ગામને આનંદથી ઝૂમી ઉઠવાનો અવસર આપ્યો છે. ગામનું ઐતિહાસિક ગોરાસર તળાવ ઓવરફલો થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી છે. વર્ષોથી ગ્રામજનો માટે આસ્થા, સંસ્કૃતિ અને જીવન સાથે જોડાયેલું ગોરાસર તળાવ છલકાતાં લોકોમાં સારા ચોમાસાની આશા વધુ મજબૂત બની છે. ખાસ કરીને રાજબાઈ મા ના પવિત્ર ધામની નજીક આવેલું આ તળાવ ભરાઈ જતાં ગામમાં ભક્તિ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
તળાવ ઓવરફલો થવાની ખુશીમાં ગ્રામજનોએ પરંપરાગત રીતે જળપૂજન કરી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પાણીના વધામણાં સાથે શુભેચ્છાના નાદ ગુંજી ઉઠ્યા હતા અને ગામના વડીલોથી લઈને યુવાનો સુધી સૌએ આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવી હતી. વરસાદથી છલકાતું તળાવ અને તેની આસપાસનું હરિયાળું વાતાવરણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પ્રસંગે સરપંચ પ્રતિનિધિ મહેશ વાઘેલા, ઉપસરપંચ પ્રતિનિધિ દેવજી ભરવાડ, તાલુકા પંચાયત સદસ્ય નરેન્દ્ર ખોડ સહિત ગ્રામ પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સામાજિક કાર્યકરો, રાજબાઈ મા મંદિરના પૂજારીઓ તેમજ મોટી સંખ્યામાં ગામના યુવાનો અને મહિલાઓએ હાજરી આપી આ આનંદની ક્ષણને સહભાગી બની ઉજવી હતી.
ગોરાસર તળાવનું ઓવરફલો થવું માત્ર ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્ર માટે પણ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. તળાવમાં પૂરતું પાણી સંગ્રહિત થતાં આસપાસના ખેડૂતોમાં ખેતી માટે પૂરતા પાણીની ઉપલબ્ધિ અંગે નવી આશા જાગી છે. પશુપાલકો માટે પણ આ સ્થિતિ રાહતરૂપ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દર વર્ષે વરસાદી મોસમમાં ગોરાસર તળાવ ગામના લોકો માટે આશા અને સમૃદ્ધિનું પ્રતીક બની રહે છે. આ વર્ષે પણ તળાવ સમયસર છલકાતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પ્રકૃતિની આ અનમોલ ભેટને સૌએ ઉત્સાહભેર વધાવી લીધી છે અને સારા વરસાદ સાથે સુખાકારી, સમૃદ્ધિ અને હરિયાળા ભવિષ્ય માટે પ્રાર્થનાઓ કરી છે. ગાગોદરમાં સર્જાયેલો આ દૃશ્ય માત્ર પાણીથી ભરાયેલા તળાવનો નહીં, પરંતુ ગ્રામજીવનમાં ફરી વળેલી નવી આશા અને વિશ્વાસનો જીવંત ઉત્સવ બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar