
કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં નશાખોરી અને માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલા NO DRUGS IN EAST KUTCH CAMPAIGN અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ગાંધીધામને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. સામખિયારી વિસ્તાર નજીકથી ગાંજાના કોમર્શિયલ જથ્થા સાથે એક મહિલા અને એક યુવકને ઝડપી પાડી પોલીસે અંદાજે ₹17.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનને વધુ મજબૂતી આપનારી માનવામાં આવી રહી છે.
SOGના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ ટીમ ભચાઉ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે સામખિયારી-આંબલિયારા રોડ પરથી નવા ગામ તરફ જતાં માર્ગ નજીક વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી તેમની પાસે રહેલા સામાનની તપાસ કરતાં કુલ 35.590 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ગાંજો છૂટક ગ્રાહકોને વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં બિહારના પટણા વિસ્તારની રહેવાસી અમના ખાતુન ઉર્ફે ગૌરી અને વૈશાલી જિલ્લાના રહેવાસી 18 વર્ષીય આયુષ કુમાર ઉર્ફે શિવમ પવનરાયનો સમાવેશ થાય છે. પોલીસે ગાંજાની સાથે બે મોબાઇલ ફોન, રોકડ રકમ, બે સુટકેસ, એક થેલો તેમજ કેટલાક ઓળખ અને દસ્તાવેજો પણ કબજે કર્યા છે. સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે ₹17,93,800 હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર મામલે બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ સામખિયારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસનું માનવું છે કે ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે આવનારા સમયમાં પણ આવી જ કડક અને સતત કાર્યવાહી ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar