દુબઈથી USDTમાં ₹5.55 કરોડની ખંડણીનો ખેલ નિષ્ફળ: ગાંધીધામ પોલીસ-એલસીબીએ વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામમાં કરોડોની ઓનલાઇન ખંડણીના ચકચારી કેસમાં પોલીસને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ અને સ્થાનિક ગુના શાખા (એલસીબી)ની સંયુક્ત કાર્યવાહીમાં આ કેસમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓને ઝડપી
ખંડણી કેસના આરોપીઓ


ખંડણી કેસના આરોપીઓ


ખંડણી કેસના આરોપીઓ


ખંડણી કેસના આરોપીઓ


ખંડણી કેસના આરોપીઓ


કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામમાં કરોડોની ઓનલાઇન ખંડણીના ચકચારી કેસમાં પોલીસને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ અને સ્થાનિક ગુના શાખા (એલસીબી)ની સંયુક્ત કાર્યવાહીમાં આ કેસમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન રોકડ રકમ સહિત કુલ ₹30.88 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાવતરામાં ફરિયાદીને વિશ્વાસમાં લઈને કારમાં બેસાડ્યા બાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના ભાઈ, જે દુબઈ (યુએઈ)માં રહે છે, તેને વીડિયો કોલ કરીને અપહરણ કરાયેલા વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓએ બદલામાં USDT (ક્રિપ્ટો કરન્સી) મારફતે 5,84,500 યુએસડીટીની ખંડણીની માંગણી કરી હતી, જેની ભારતીય ચલણમાં અંદાજિત કિંમત આશરે ₹5.55 કરોડ થાય છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખંડણી તરીકે મેળવવામાં આવેલી ક્રિપ્ટો કરન્સીને અલગ-અલગ ડિજિટલ વોલેટ મારફતે ટ્રાન્સફર કરી ત્યારબાદ તેને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. આ રકમ આંગડિયા મારફતે પ્રાપ્ત કરવામાં આવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ પ્રક્રિયામાં મદદરૂપ બનેલા આરોપીઓ પાસેથી કુલ ₹28.98 લાખની રોકડ રકમ સહિત કિંમતી મોબાઈલ ફોન કબજે કર્યા છે.

આ કેસમાં ઝડપી પાડવામાં આવેલા ત્રણ આરોપીઓમાં આદીપુરના વિનીત જાદવાણી અને અનમોલ નંદા તેમજ ભુજના વિશાલ ગૌસ્વામીનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સેમસંગ અને એપલ કંપનીના ચાર પ્રીમિયમ સ્માર્ટફોન ઉપરાંત એક ઓપ્પો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. રોકડ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત કુલ ₹30.88 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આ ગુનામાં સીધી કે, આડકતરી રીતે મદદ કરનાર અન્ય વ્યક્તિઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે પણ પુરાવાના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં આગળની તપાસ હજુ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande