




કચ્છ, 04 ઓગસ્ટ (હિ.સ.) : રાપર પોલીસે ગુજરાત પોલીસના તેરા તુજ કો અર્પણ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતી વધુ એક પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે. ટેક્નોલોજી અને સતત દેખરેખના સંયોજનથી પોલીસે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા કુલ છ મોબાઈલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. અંદાજે ₹1,05,500 કિંમતના આ મોબાઈલ પરત મળતાં અરજદારોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
રાજ્યના પોલીસ વડા તથા સરહદી બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનું મજબૂત બંધન ઊભું થાય તે માટે વિવિધ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ દિશામાં રાપર પોલીસે ગુમ થયેલા મોબાઈલ શોધવાની કામગીરીને પ્રાથમિકતા આપી હતી.
રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે અરજદારો પાસેથી પ્રાપ્ત થયેલી મોબાઈલ ગુમ થયાની અરજીઓનું ટેકનિકલ વિશ્લેષણ કર્યું હતું. સાથે જ કેન્દ્ર સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને તમામ મોબાઈલની વિગતો નોંધવામાં આવી અને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું. આધુનિક ટેક્નિકલ સોર્સ અને સુનિયોજિત એક્શન પ્લાનના આધારે પોલીસે એક પછી એક ગુમ થયેલા મોબાઈલ ટ્રેસ કરવામાં સફળતા મેળવી.
શોધી કાઢવામાં આવેલા તમામ છ મોબાઈલ તેમના સાચા માલિકોને પરત આપવામાં આવતા અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. કિંમતી મોબાઈલ પરત મળતાં તેમનું આર્થિક નુકસાન અટક્યું હોવાની સાથે પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પણ વધુ મજબૂત બન્યો છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા સહિત રાપર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ નોંધપાત્ર મહેનત કરી હતી. ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ અને પ્રજાલક્ષી અભિગમના કારણે રાપર પોલીસની આ કામગીરી અન્ય પોલીસ મથકો માટે પણ પ્રેરણારૂપ બની છે. આવી સફળ કામગીરીથી સ્પષ્ટ થાય છે કે, આધુનિક વ્યવસ્થા અને સંકલિત પ્રયાસો દ્વારા ગુમ થયેલી કિંમતી વસ્તુઓ પણ ઝડપથી શોધી કાઢી લોકોને ન્યાય અને રાહત પહોંચાડી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar