જેસરના યુવક મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી માનવસેવામાં અગ્રેસર, દર મહિને 107 નિરાધારોને સહાય અને 800 બાળકોને નાસ્તો-ભોજન
ભાવનગર, 04 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસરમાં રહેતા સરવૈયા મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ છેલ્લા આઠ વર્ષથી નિઃસ્વાર્થ ભાવથી સમાજસેવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે. આજના સ્વાર્થભર્યા સમયમાં તેઓ માનવસેવાને જીવનનું ધ્યેય બનાવી દર મહિને 107 જેટલા નિરાધાર, વ
સેવા કરતો યુવક


ભાવનગર, 04 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસરમાં રહેતા સરવૈયા મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ છેલ્લા આઠ વર્ષથી નિઃસ્વાર્થ ભાવથી સમાજસેવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે. આજના સ્વાર્થભર્યા સમયમાં તેઓ માનવસેવાને જીવનનું ધ્યેય બનાવી દર મહિને 107 જેટલા નિરાધાર, વૃદ્ધ અને જરૂરિયાતમંદ લોકોને તેમના ઘરે જઈને રાશન કીટ પહોંચાડે છે. એટલું જ નહીં, દરેક લાભાર્થીને રૂ. 1,000ની રોકડ સહાય પણ આપવામાં આવે છે, જેના કારણે અનેક પરિવારોને આર્થિક સંબળ મળી રહ્યું છે.

મહિપાલસિંહ બાળકો માટે પણ વિશેષ સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે. જેસર શહેરના સીતારામ શેરી ખાતે આવેલા મેલડી માતાજીના મંદિરે દર મહિને પૂનમ પહેલાં ચાર દિવસ અને પૂનમ બાદ ચાર દિવસ એમ કુલ આઠ દિવસ સુધી અંદાજે 700થી 800 બાળકોને અલગ-અલગ પ્રકારના પૌષ્ટિક નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. બાળકોને પ્રેમ અને સ્નેહથી જમાડવાની તેમની આ પહેલ સમગ્ર વિસ્તારમાં પ્રશંસાનું કારણ બની છે.

મહિપાલસિંહ જણાવે છે કે માતા-પિતા અને માતાજીની કૃપાથી તેઓ છેલ્લા આઠ વર્ષથી આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડીને તેમને આત્મસંતોષ મળે છે અને આ સેવા તેઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખશે.

તેમના મિત્ર ડૉ. દર્શનભાઈ બાંભણિયાના જણાવ્યા મુજબ, મહિપાલસિંહ જેસરથી આશરે 30 કિલોમીટરના વિસ્તારમાં આવેલા ગામોમાં જઈને નિરાધાર લોકોને દર મહિને રાશન કીટ અને સહાય પહોંચાડે છે. તેમની આ નિઃસ્વાર્થ માનવસેવા અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની છે અને સમાજમાં સેવા તથા સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande