
મહેસાણા, 04 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા વિસનગર તાલુકાના સુંશી સ્થિત 'સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર વેજિટેબલ્સ એન્ડ સિટ્રસ' ખાતે ઉંઝા અને વિસનગર તાલુકાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, બાગાયતી પાકો અને સરકારી સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન બાગાયત અધિકારી જી.જે. ચૌહાણ અને સેન્ટર ઓફ એક્સલેન્સના પ્રોજેક્ટ ઓફિસર વી.એન. પટેલે બાગાયતી ખેતીના આર્થિક લાભો તેમજ બદલાતા કૃષિ પ્રવાહોને અનુરૂપ વૈજ્ઞાનિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઉપરાંત કૃષિ વિભાગના નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, પાણીના કાર્યક્ષમ ઉપયોગ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા માટેની પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ ખેડૂતોને સમયસર ઓનલાઈન અરજી કરી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. તાલીમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના સ્થળ પર જ તકનીકી નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમથી ખેડૂતોમાં ઓછી ખર્ચાળ, વધુ નફાકારક અને વૈજ્ઞાનિક અભિગમ આધારિત ખેતી અપનાવવા અંગે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR