વરસાદ બાદની કામગીરીની સમીક્ષા : મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ, સફાઈ કામગીરીને બિરદાવી
વડોદરા , 04 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાની હોળી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાજેતરના વરસાદ બાદ હાથ ધરાયેલી કામગીરી, શહેરની સ્થિતિ તેમજ આગામી દિવસોમાં હાથ ધરાનારી કામગીરી અં
મહાનગરપાલિકા વડોદરા


મહાનગરપાલિકા વડોદરા


વડોદરા , 04 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાની હોળી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાજેતરના વરસાદ બાદ હાથ ધરાયેલી કામગીરી, શહેરની સ્થિતિ તેમજ આગામી દિવસોમાં હાથ ધરાનારી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી તૈયારીઓ અને વરસાદ બાદ કરવામાં આવેલી સફાઈ તથા ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરીના કારણે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થયો હતો. આ કામગીરી બદલ તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

બેઠક દરમિયાન શહેરમાં વરસાદ બાદ ઊભી થયેલી રસ્તાઓ પરના ખાડાઓની સમસ્યા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે સંબંધિત વિભાગોને તાત્કાલિક સમારકામની કામગીરી ઝડપી બનાવવા તેમજ લાંબા ગાળાના ઉકેલ તરીકે આગામી સમયમાં વધુ આર.સી.સી. રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપી હતી.

વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીમાં ડહોળાશ જોવા મળતા તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને પાણીની ગુણવત્તા પર સતત નજર રાખવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જેથી નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી મળી રહે.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ જરૂરી સેવાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછીમાં ઓછી મુશ્કેલી પડે તે માટે તમામ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande