
- 1.64 લાખથી વધુ બાળકોને નિઃશુલ્ક આલ્બેન્ડાઝોલ ગોળી અને 9 મહિનાથી 5 વર્ષના બાળકોને વિટામિન-A સીરપ અપાશે
રાજપીપળા,04 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અંતર્ગત 10 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન
સમગ્ર રાજ્યમાં કૃમિનાશક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નર્મદા
જિલ્લામાં પણ શાળા અને આંગણવાડીના માધ્યમથી બાળકોને નિઃશુલ્ક કૃમિનાશક દવા આપવામાં આવશે.
આ કાર્યક્રમ હેઠળ 1થી 19 વર્ષ સુધીના તમામ બાળકો અને કિશોર-કિશોરીઓને આરોગ્ય
કર્મચારીઓની દેખરેખ હેઠળ આલ્બેન્ડાઝોલ ગોળી ગળાવવામાં આવશે. ઉપરાંત 9
મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને વિટામિન-A સીરપ પીવડાવવામાં આવશે.
કૃમિ સંક્રમણના કારણે બાળકોમાં લોહીની ઉણપ, કુપોષણ, શારીરિક અને માનસિક વિકાસમાં
અવરોધ તેમજ અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
નિયમિત કૃમિનાશક દવાનું સેવન કરવાથી બાળકોનું આરોગ્ય સુધરે છે, પોષક તત્ત્વોનું યોગ્ય શોષણ થાય છે તેમજ તેમની વૃદ્ધિ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે છે.
નર્મદા જિલ્લામાં આ અભિયાન દરમિયાન કુલ 1,64,319 બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી
કરવામાં આવ્યો છે. આ માટે જિલ્લાના તમામ શાળાઓ, આંગણવાડીઓ અને આરોગ્ય વિભાગના
કર્મચારીઓ દ્વારા સંકલિત આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક લાયક બાળક સુધી કૃમિનાશક દવા અને વિટામિન-Aનો લાભ પહોંચાડી શકાશે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ વાલીઓને જણાવાયું છે કે, પોતાના બાળકોને
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અંતર્ગત આપવામાં આવતી આલ્બેન્ડાઝોલ ગોળી તેમજ વિટામિન-A સીરપનો લાભ અવશ્ય અપાવે અને બાળકોને કૃમિમુક્ત, તંદુરસ્ત તથા સ્વસ્થ બનાવવા માટે આરોગ્ય વિભાગના આ જનહિતલક્ષી અભિયાનમાં સહભાગી બની સહકાર આપવા જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ