
નવસારી, 04 ઓગસ્ટ (હિ.સ.) આગામી નવસારી જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર મનિષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે 15 મી ઑગસ્ટ એટલે કે, 80મા સ્વતંત્રતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ વાંસદા તાલુકાના ગાંધી મેદાન ખાતે યોજાશે. રાષ્ટ્રીય પર્વની ગૌરવપુર્ણરીતે સંપન્ન થાય તે માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે.
બેઠકમાં જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન એ આપણી દેશભક્તિ અને આન-બાન-શાનનું પ્રતીક છે.
આ ઉજવણી ઉત્સાહસભર, સુચારૂ અને સુનિશ્ચિત આયોજન સાથે થાય તે અત્યંત જરૂરી છે. કલેક્ટરએ ધ્વજવંદન મંડપ, પરેડ ગ્રાઉન્ડની તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ, સાઉન્ડ સિસ્ટમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુશોભન, પાર્કિંગ, સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ તેમજ વધુમાં વધુ બાળકો અને જિલ્લાના નાગરિકો આ પર્વની ઉજવણીમાં જોડાઇ તે પ્રકારનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવાની અપીલ કરી હતી.
કલેકટર મનીષ ગુરવાનીએ કહ્યું કે, ખાસ કરીને ફલડ દરમિયાન જે તે વિભાગના અધિકારી-કર્મચારીઓએ ઉત્કૃષ્ડ કામગીરી કરી હોય તેઓને સન્માનિત કરવા માટેના નામો મોકલી આપવા તમામ વિભાગનો અધિકારીઓને સુચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ , નિવાસી અધિક કલેકટર જે.એન.લિખિયા તથા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે