
પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.) પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક ચેરમેન ડિમ્પલબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં બાંધકામ ખર્ચ પર 1 ટકા સેસ વસૂલવા, ટીપી રેકોર્ડનું ડિજિટાઈઝેશન અને અર્બન ફોરેસ્ટ વિકાસના મહત્વના ઠરાવો મંજૂર કરાયા.સરકારના પરિપત્ર મુજબ બાંધકામ ખર્ચ પર 1 ટકા સેસ લાગુ કરવાનો નિર્ણય લેવાયો. સાથે જ ટીપી શાખાના જૂના રેકોર્ડને સુરક્ષિત રાખવા માટે તેને સ્કેન અને લેમિનેટ કરવાની મંજૂરી આપવામાં આવી.
પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી એક પ્લોટને અર્બન ફોરેસ્ટ તરીકે વિકસાવવા હેતુફેરની દરખાસ્ત સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાયો. ઉપરાંત ડેવલપમેન્ટ પ્લાન (DP)માં જરૂરી સુધારા કરીને સરકાર સમક્ષ પુનઃ રજૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી.
નગરપાલિકાના બે પ્લોટના વેચાણ તેમજ આશરો સેવાકીય સંસ્થાને પ્લોટ ફાળવવાના મુદ્દાઓ આગામી બેઠક સુધી મુલતવી રાખવામાં આવ્યા. આ બંને મુદ્દે સમિતિના સભ્ય નવીન પ્રજાપતિએ વાંધો નોંધાવી નિર્ણય મુલતવી રાખવાની રજૂઆત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ