
પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.) રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ, પાટણ દ્વારા રાખડી, શુભેચ્છા કાર્ડ, ભેટ સામગ્રી અને અન્ય ટપાલ વસ્તુઓ સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાખડી મોકલવા માટે ખાસ રંગબેરંગી રાખડી કવર ₹10માં ઉપલબ્ધ કરાયા છે. ઉપરાંત 250 ગ્રામ, 500 ગ્રામ અને 1000 ગ્રામ ક્ષમતાના વિશેષ બોક્સ અનુક્રમે ₹35, ₹40 અને ₹50માં તમામ ટપાલ કચેરીઓમાં ઉપલબ્ધ છે.
પાટણ વિભાગની મુખ્ય, ઉપ અને બ્રાન્ચ ટપાલ કચેરીઓને રાખડી સંબંધિત ટપાલનું ઝડપી સ્વીકાર, સમયસર પ્રોસેસિંગ અને પ્રાથમિકતાના ધોરણે વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી રાખડી સમયસર ગંતવ્ય સુધી પહોંચી શકે.
ટપાલ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે રાખડી, ગિફ્ટ આર્ટિકલ, મીઠાઈ (યોગ્ય પેકિંગ સાથે) અને અન્ય ભેટ સામગ્રી વહેલી તકે નજીકની ટપાલ કચેરીમાં બુક કરાવી સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા પાર્સલ સેવાનો લાભ લે.
વિદેશમાં રહેતા ભાઈને રાખડી મોકલવા માટે ઇન્ટરનેશનલ સ્પીડ પોસ્ટ સેવા પણ ઉપલબ્ધ છે. સંપૂર્ણ સરનામું, મોબાઇલ નંબર અને યોગ્ય પેકિંગ સાથે ટપાલ બુક કરાવવાથી સુરક્ષિત અને ઝડપી વિતરણ સુનિશ્ચિત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ