
જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) જામનગર શહેર અને જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન વરસાદની નોંધપાત્ર ઘટ રહેતાં હવે સૌની નજર ઓગસ્ટ માસ પર મંડાઈ છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ હોવા છતાં શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં એક છાંટો પણ નોંધાયો નથી. પરિણામે ખેડૂતો, શહેરીજનો અને પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલની સ્થિતિએ જિલ્લામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ માત્ર 213.17 મીલીમીટર (8.38 ઇંચ) નોંધાયો છે, જે સામાન્ય વરસાદની સરખામણીએ ઘણો ઓછો છે. વરસાદના અભાવે જિલ્લાના નદી-નાળા, વોંકળા અને જળાશયોમાં નવા પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. મોટા ભાગના ડેમો અને ચેકડેમોમાં પણ પૂરતો જળસંગ્રહ થયો નથી, જેના કારણે આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યાર સુધી પડેલો વરસાદ ઉભા પાક માટે જીવતદાનરૂપ સાબિત થયો છે, પરંતુ ખેતીને પૂરતો આધાર મળે તેમજ જળાશયો ભરાય તે માટે હવે ઓગસ્ટ મહિનામાં વ્યાપક અને સારો વરસાદ અનિવાર્ય બન્યો છે. જો ઓગસ્ટ માસ દરમિયાન પણ મેઘરાજા મહેર ન કરે તો જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 166.1 મીલીમીટર (6.57 ઇંચ), જોડિયામાં 225 મીલીમીટર (8.85 ઇંચ), ધ્રોલમાં 213 મીલીમીટર (8.38 ઇંચ), કાલાવડમાં 235 મીલીમીટર (9.25 ઇંચ), લાલપુરમાં 151.4 મીલીમીટર (5.96 ઇંચ) અને જામજોધપુરમાં 295 મીલીમીટર (11.61 ઇંચ) વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના 32 પીએચસી વિસ્તારમાં નોંધાયેલા વરસાદમાં એકમાત્ર પડાણામાં બે મીમી વરસાદ નોંધાયો હતો તે સિવાય અન્ય તમામ સ્થળોએ મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ રાખ્યો છે. ખેડૂતો સહિતના શહેરીજનો હજુ પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt