
પોરબંદર, 04 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળા-2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે શહેરના સ્થાનિક રાઇડ્સ ધારકોએ મહાનગરપાલિકાને વિવિધ માંગણીઓ સાથે લેખિત રજૂઆત કરી છે. વર્ષોથી લોકમેળામાં ભાગલેતા રાઇડ્સ સંચાલકોએ જણાવ્યું છે કે સમયસર પ્લોટ ફાળવણી અને લાઇસન્સ પ્રક્રિયા પૂર્ણ થાય તો તેઓ કોઈપણ અવ્યવસ્થા વગર પ્રથમ દિવસથી જ મેળો શરૂ કરી શકે.રજુઆતમાં જણાવાયું છે કે પોરબંદરના સ્થાનિક રાઇડ્સ ધારકો છેલ્લા 15થી 20 વર્ષથી જન્માષ્ટમી લોકમેળામાં વિવિધ મનોરંજનની રાઇડ્સનું આયોજન કરી રહ્યા છે. દર વર્ષે પ્લોટની હરાજી મોડેથી થતી હોવાથી રાઇડ્સ ઊભી કરવા, ફિટિંગ કરવા અને અન્ય તૈયારીઓ માટે પૂરતો સમય મળતો નથી. તેથી પ્લોટની હરાજી પૂર્ણ થયા બાદ એકથીબે દિવસમાં પ્લોટની માપણી કરીને સ્થળ ફાળવી દેવાની માંગ કરવામાં આવી છે. સાથે જ મેળાના બે દિવસ અગાઉ લાઇસન્સ અને જરૂરી પરવાનગીઓ આપી દેવામાં આવે તો પ્રથમ દિવસની સવારથી જ તમામ રાઇડ્સ શરૂ કરી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.રાઇડ્સ ધારકોએ વધુમાં રજૂઆત કરીછે કે મોટા યાંત્રિક ચકડોળ અને અન્ય રાઇડ્સના પ્લોટની બાજુમાં ફિટિંગ બાદ વધતી જગ્યામાં નાના બાળકો માટે હાથથી ચાલતા ચકડોળ અને અન્યનાની રાઇડ્સ ગોઠવવાની મંજૂરી આપવામાં આવે.રાત્રિના સમયે રાઇડ્સનું ફિટિંગ કરવામાં આવતું હોવાથી અકસ્માતની શક્યતા ટાળવા માટે પ્લોટ વિસ્તારમાં પૂરતી લાઇટની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે.રજુઆતમાં આર્થિક મુદ્દાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. સ્થાનિક રાઇડ્સ ધારકોનું કહેવું છે કે તેઓ નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ છે અને પ્લોટની હરાજીમાં ઊંચી બોલી લગાવી તેમજ લોન લઈને વ્યવસાય કરે છે. જો કુદરતીઆફત, ભારે વરસાદ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણોસર મેળો બંધ કરવો પડે તો પ્લોટધારકોને 100 ટકા રિફંડ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી તેમને મોટું આર્થિક નુકસાન સહન ન કરવું પડે.આ ઉપરાંત, લોકમેળામાં મુલાકાતીઓ પાસેથી વસૂલાતી ટિકિટના દર અંગે પણ એકસરખી નીતિ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. ગયા વર્ષના મેળામાં વિવિધ રાઇડ્સના ટિકિટ દર અલગ અલગ હોવાથી ગૂંચવણ સર્જાઈ હતી.તેથી આ વર્ષે મોટી રાઇડ્સની ટિકિટનો દર રૂ. 50 નક્કી કરવા તેમજ અન્ય રાઇડ્સના દર પણ મહાનગરપાલિકા દ્વારા અગાઉથી નક્કી કરી જાહેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રાઇડ્સ ધારકો દ્વારા કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya