
બોટાદ, 04 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા ગ્રામ વિકાસને વધુ ગતિ આપવા માટે રાજ્યભરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં બોટાદ જિલ્લાના લીંબડીયા ગામે અંદાજે રૂ. 25 લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ઘરના નિર્માણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. નવા પંચાયત ભવનના નિર્માણથી ગામના વહીવટી કાર્યો વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે થઈ શકશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ગ્રામ પંચાયત ઘરમાં સરપંચ, સભ્યો તેમજ ગ્રામજનો માટે બેઠક વ્યવસ્થા, દસ્તાવેજોના સુરક્ષિત સંગ્રહની સુવિધા અને વિવિધ સરકારી યોજનાઓ સંબંધિત કામગીરી માટે જરૂરી માળખાકીય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે ગામના લોકોને હવે વિવિધ પ્રમાણપત્રો, અરજીઓ અને સરકારી સેવાઓ માટે વધુ સરળતા અને ઝડપથી સેવા મળી શકશે.
ગ્રામ પંચાયત ભવન ગામના વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે, જ્યાં ગ્રામસભા, વિકાસલક્ષી બેઠકો તેમજ જનહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ સરળતાથી થઈ શકશે. આ ભવનથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની કામગીરી વધુ અસરકારક બનવાની સાથે ગ્રામજનો અને પંચાયત વચ્ચેનું સંકલન પણ મજબૂત બનશે.આ સુવિધા ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના પરિણામે ગામડાઓમાં વિકાસના નવા આયામો સર્જાઈ રહ્યા છે. લીંબડીયા ગામનું નવું ગ્રામ પંચાયત ઘર પણ ગ્રામ વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA