
- મા-આયુષ્માન કાર્ડની મર્યાદા ઉપરાંત મહત્તમ 3 લાખ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે
ગાંધીનગર,04 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સરકારે રાજ્યના આદિવાસી (અનુસૂચિત જનજાતિ) સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય કર્યો છે. નાણાકીય મોરચે નબળી સ્થિતિ ધરાવતા આદિવાસી પરિવારોના દર્દીઓ મોંઘી અને આધુનિક તબીબી સારવારથી વંચિત ન રહી જાય; તે માટે રાજ્ય સરકારે વર્ષ 2026-27થી એક નવી યોજના જાહેર કરી છે અને તેના માટે 2 કરોડની જોગવાઈ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના આ નિર્ણયથી હજારો એવા આદિજાતિ પરિવારનો આરોગ્ય સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તથા રાજ્ય મંત્રી પી.સી.બરંડાના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ આ નવી યોજનાને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ મુજબ રાજ્ય સરકારે આદિજાતિ પરિવારો માટે સંજીવની સમાન આ યોજનાનું નામ ‘રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના દર્દીઓને કીડની, લીવર, હૃદય અને પેનક્રિયાઝ વગેરેનાં અંગ પ્રત્યારોપણ (ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરવા માટે તેમજ તે માટે રોબોટીક શસ્ત્રક્રિયા સહિતના ઑપરેશનો માટે સહાય આપવા માટેની યોજના’ છે.
આ યોજનામાં દર્શાવાયેલા જટિલ અંગોના પ્રત્યારોપણ (ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ) તેમજ ગંભીર રોગોમાં અત્યાધુનિક રોબોટીક શસ્ત્રક્રિયા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
આ નવી યોજના માટે સરકારે પ્રથમ વર્ષે ₹2.00 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.
રાજ્ય સરકારની આ યોજનાના સફળ અમલીકરણ માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી અગ્રણી સરકારી સંસ્થા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC)ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય નિયમ એ છે કે દર્દીને આયુષ્માન ભારત (PMJAY) કે મા-કાર્ડ હેઠળ મળતી સહાયને બાદ કર્યા પછી જે વધારાનો ખર્ચ બચે, તે આ યોજનામાંથી ચૂકવવામાં આવશે.
ઠરાવમાં સહાય અંગે બે ઉદાહરણો આપ્યા છે કે જે નીચે મુજબ છે :
સરકારી હૉસ્પિટલ (IKDRC)માં સારવાર માટે :જો અંગ પ્રત્યારોપણ માટે IKDRCમાં કુલ ખર્ચ 6.00 લાખ થાય અને PMJAY હેઠળ 3.00 લાખ મળવાપાત્ર હોય, તો આ 3.00 લાખ બાદ કરતાં બાકી રહેતા 3.00 લાખની સહાય આ યોજના હેઠળ મળવા પાત્ર રહેશે.
ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે જો ખાનગી હૉસ્પિટલમાં ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 10.00 લાખ થાય, પરંતુ સરકારી હૉસ્પિટલ (IKDRC)માં તે જ પ્રક્રિયાનો દર 6.00 લાખ નક્કી હોય, તો તેવા કિસ્સામાં PMJAY ના 3.00 લાખ બાદ કરીને મહત્તમ સરકારી દરની મર્યાદા મુજબ 3.00 લાખની સહાય જ મળવાપાત્ર થશે.
ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિ અટકાવવા માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવશે. આ નાણાકીય સહાય માટે સરકાર દ્વારા નિયત સમય અંતરે DBT પદ્ધતિ (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) અથવા સીએમ ડેશબોર્ડ પોર્ટલ અપનાવવાનું રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ