
વડોદરા ,04 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા જિલ્લાના પોર ગામ પાસે પૂરના પાણી ઉતર્યા બાદ બળીયાદેવ મંદિર પાછળ આવેલી ગ્રીલમાં એક મગર ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આશરે બે કલાકની જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, પૂરના પાણી ઓસર્યા બાદ બળીયાદેવ મંદિર પાછળની ગ્રીલમાં મગર ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ મગરને જોઈ તાત્કાલિક સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
માહિતી મળતા જ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપભાઈ અને તેમની ટીમ, તેમજ ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુયર નીતિન પટેલ, જીગ્નેશ પરમાર અને સાગર રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે અત્યંત સાવચેતી અને કુશળતા સાથે લગભગ બે કલાક સુધી રેસ્ક્યુ કામગીરી ચલાવી હતી.
ભારે જહેમત બાદ મગરને ગ્રીલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગની દેખરેખ હેઠળ મગરને તેના કુદરતી નિવાસસ્થાન ઢાઢર નદીમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો.
સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે મગરને કોઈ ઈજા પહોંચી નહોતી અને આસપાસના વિસ્તારમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. સ્થાનિક લોકોએ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની સતર્કતા, સંકલન અને કામગીરીને બિરદાવી હતી.
વન વિભાગે ચોમાસા દરમિયાન નદી, કેનાલ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ દેખાય તો તેમને હેરાન ન કરવા અને તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ