
સુરત, 04 ઓગસ્ટ (હિ.સ.) સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં ધોરણ-7માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીના કરુણ મોતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળક લાંબા સમયથી મોબાઇલમાં વધુ સમય પસાર કરતો હતો. સાંજે માતા-પિતાએ તેને મોબાઇલ મૂકી શાળાનું હોમવર્ક પૂર્ણ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બાળક પોતાના રૂમમાં ગયો અને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો. પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
મૂળ ઓડિશાનો આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહે છે. પરિવારમાં માતા-પિતા, એક બહેન અને એકમાત્ર દીકરો હતો. પરિચિતોના જણાવ્યા મુજબ બાળકનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો હતો અને મોબાઇલ ગેમિંગની તેને ભારે આદત પડી ગઈ હતી. પરિવારજનોએ કોઈ કડક ઠપકો આપ્યો ન હતો, માત્ર અભ્યાસ પર ધ્યાન આપવા સમજાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવે બાળકોમાં વધતી મોબાઇલ અને ગેમિંગની લત અંગે ફરી ગંભીર ચર્ચા જગાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે બાળકો સાથે નિયમિત વાતચીત, સ્ક્રીન ટાઇમ પર નિયંત્રણ અને પરિવાર સાથે વધુ સમય પસાર કરવાથી આવી પરિસ્થિતિઓને અટકાવવામાં મદદ મળી શકે છે. વાલીઓએ બાળકોના વર્તન અને માનસિક સ્થિતિ પર સતત ધ્યાન આપવાની જરૂરિયાત પણ આ ઘટનાએ ઉજાગર કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે