
નવસારી, 04 ઓગસ્ટ (હિ.સ.) નવસારી જિલ્લાના જલાલપોર વિસ્તારમાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વ્યવહાર સામે પોલીસે કાર્યવાહી કરીને બે વ્યક્તિઓને ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. ખાનગી બાતમીના આધારે વિરલનગર વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટ પર દરોડો પાડતાં બંને શખ્સો પાસેથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંજાની સાથે એક CNG રિક્ષા અને બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ભદોરિયા અને મનોજ બાબુલાલ પટેલ ) તરીકે થઈ છે. તેમની પાસેથી અંદાજે 0.22 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹1,100 હોવાનું પોલીસનું કહેવું છે. ઉપરાંત ₹1.50 લાખની કિંમતની CNG રિક્ષા અને બે મોબાઇલ ફોન સહિત કુલ ₹1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે બંને આરોપીઓ સામે જલાલપોર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન અજય પાલ નામનો એક રિક્ષા ચાલક પણ આ કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.એન. ચૌધરી અને તેમની ટીમે પૂર્ણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે