


પોરબંદર, 04 ઓગસ્ટ (હિ.સ.)મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા રાજ્ય સરકારના ‘નારી વંદન ઉત્સવ’ અભિયાન અંતર્ગત આજે ‘મહિલા સુરક્ષા દિવસ’ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓની સુરક્ષા, સલામતી અને કાનૂની જાગૃતિ હેતુસર પોલીસ દ્વારા ‘શી ટીમ’ વિશે માર્ગદર્શન આપતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ વિભાગની ‘શી ટીમ’ની કામગીરીથી મહિલાઓ અને યુવતીઓને માર્ગગત કરાવવાનો તેમજ મહિલાઓ અને બાળકો માટે કાર્યરત સરકારના વિવિધ પ્રકલ્પો અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી ઘર ઘર સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે મહિલાઓની સુરક્ષા અને સરકાર દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી સેવાઓનો લાભ લેવા પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સેવાઓ તેમજ ‘શી ટીમ’ દ્વારા કટોકટીના સમયે મહિલાઓને આપવામાં આવતી તાત્કાલિક મદદ અને રક્ષણ અંગેની ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોરબંદર દ્વારા બાળ સુરક્ષા અને કચેરીની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ હતી.
મહિલા સશક્તિકરણની દિશામાં કાર્યરત વિવિધ સંસ્થાઓએ પણ પોતાની સેવાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેંટ ઓફ વુમન (DHEW) ના સ્ટાફ દ્વારા કચેરીની કામગીરી અને મહિલા કેન્દ્રીય યોજનાઓની માહિતી અપાઈ હતી. તેમજ “સખી” વન સ્ટોપ સેન્ટર, પોરબંદર, પોલીસ સ્ટેશન બેઈસ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અને 181 અભયમ ટીમ દ્વારા પીડિત કે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને સ્થળ પર જ મળતી કાનૂની, તબીબી અને આશ્વાસનરૂપી સેવાની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ જાગૃતિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહિલા અને બાળ અધિકારીહંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ DHEW ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya