
- D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો
અમદાવાદ,04 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના દરિયાપુરના મનપસંદ જીમખાના ક્લબમાં જુગારધામ ચલાવવા માટે આરોપી ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા અલગ અલગ વ્યક્તિઓને ટેબલ ભાડે આપતા હોવાનો ખુલાસો થયો છે.રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરતી ગાંધીનગરની સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાના ક્લબમાં દરોડો પાડી મુખ્ય સંચાલક સહિત 187 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
મનપસંદ જીમખાના ક્લબમાં D કંપની' સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો.
જુગારધામ ચલાવવા માટે પ્રતિ ટેબલ દીઠ 15થી 30 હજાર રૂપિયા ભાડું લેવામાં આવતું હતું. ટેબલ ભાડે રાખીને જુગારધામ ચલાવનાર આરોપીઓ જુગારના પૈસાની લેવડદેવડના હવાલા અલગ અલગ આંગડિયા પેઢીઓ પાસે કરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે. જુગાર રમવા માટે રૂ. 2000ની ક્લબની મેમ્બરશીપ પણ આપવામાં આવતી હતી. આજે 187 આરોપીઓને પોલીસની 4 મોટી બસ ભરીને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યા છે.
એસએમસીની તપાસમાં ખુલાસો થયો છે કે, મનપસંદ જીમ ખાના ક્લબમાં ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસ પટેલ, બંદીશ અજયભાઈ ખત્રી અને ભરત રામભાઈ પટેલ ભાગીદાર છે. ભરત પટેલે પોતાનો હિસ્સો નિકુંજ ખત્રીને ગિરો ઉપર આપેલો છે. મનપસંદ જીમખાનાના ડાયરેક્ટર તરીકે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સંચાલન કરે છે અને દર મહિને ત્રણેય ભાગીદાર પોતાના બેંક એકાઉન્ટમાં મનપસંદમાંથી રૂ. 20 હજાર લેતા હોવાનું સામે આવ્યું છે.
મનપસંદ જીમખાનામાં મનોરંજનની આડમાં અંગત આર્થિક ફાયદા માટે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ, કિરીટસિંહ મફાજી ચાવડા સાથે મળીને જુગાર રમાડવાના હેતુથી ટેબલો અલગ અલગ વ્યક્તિઓને ભાડે આપતા હતા, કુલ 6 લોકોને ભાગીદારીમાં મનપસંદ જીમ ખાનામાં આવેલા ટેબલમાં હારજીતનો જુગાર રમાડવા માટે ભાડે આપ્યા હતા.
ગોવિંદ ઉર્ફે ગામા પટેલે કિરીટસિંહ મફા સિંહ ચાવડા અને અન્ય વ્યક્તિઓ સાથે જીમખાનામાં મનોરંજનની આડમાં જુગારધામ ચલાવવા બીજા માણસોને દિવસ રાત્રીના એક ટેબલદીઠ 15થી 30 હજારમાં ભાડે આપી દીધા હતા. કુલ 22 જેટલા ટેબલો ભાડે આપવામાં આવ્યા હતા, જેમાં લોકો જુગાર રમવા માટે આવતા હતા. જીમખાના ક્લબના સભ્ય બનાવી જુગાર રમાડવામાં આવતો હતો.
જુગારના અડ્ડા પર આવતા લોકો પાસેથી UPI ટ્રાન્જેક્શન મારફતે પણ નાણાકીય લેવડદેવડ કરવામાં આવતી હતી. આ ગેરકાયદેસર વ્યવહારોમાં ટેબલ ભાડે રાખનારા મુળુભા અને કિશોર મારવાડી માધુપુરા સ્થિત પી.એમ. અને આર.કે. રમેશ કાંતિ આંગડિયા પેઢીઓ તેમજ એચ.આર. આંગડિયા પેઢી અને કાલુપુરની પી.એમ. આંગડિયા પેઢી મારફતે પૈસાની લેવડદેવડના હવાલા પાડતા હતા. આ સમગ્ર નેટવર્કમાં ચિરાગ પટેલ, અજીત શાહ અને આનંદ ઠાકોર જેવા વ્યક્તિઓના નામે આંગડિયા પેઢીઓમાં મોટા પાયે નાણાંની હેરફેર કરાવતી હોવાનો ખુલાસો થયો છે.
દરિયાપુર પોલીસના આંખ આડા કાન!
અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં અવારનવાર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હોવાની જાણકારી હોવા છતાં સ્થાનિક દરિયાપુર પોલીસ અને શહેર પોલીસની એજન્સીઓ આંખ આડા કાન કરી રહી હતી. ભૂતકાળમાં પણ આ સ્થળેથી જુગાર ઝડપાઈ ચૂક્યો હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ કડક ચેકિંગ કે કાર્યવાહી ન કરવામાં આવતાં આખરે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને જુગારધામ ઝડપી પાડ્યું છે, જેના કારણે સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ