
અમદાવાદ,04 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજિયનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
વેધર સિસ્ટમ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસે જણાવ્યું કે, મોનસૂન ટ્રફ હાલ અનૂપગઢ, દિલ્હી, શાહજહાંપુર, બસ્તી અને છપરા થઈને પૂર્વમાં નાગાલેન્ડ સુધી વિસ્તરેલી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સામાન્ય 15.99 ઇંચ કરતાં 18% વધુ એટલે કે, કુલ 18.87 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
બીજી તરફ, વરસાદનું જોર ઘટતાં તાપમાનમાં ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ગાંધીનગરમાં એક જ દિવસમાં તાપમાન 4.1°C વધીને 32.6°C સુધી પહોંચી ગયું છે.આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં 'સ્ટીપ પ્રેશર ગ્રેડિએન્ટ'ના કારણે, મજબૂત પવનો ફૂંકાઈ શકે છે, જેની ઝડપ 15થી 20 નોટ્સ અને ઝટકા સાથે 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેશે. દરિયાઈ વિસ્તારમાં 30થી 40 કિમી/કલાકની ઝડપે અને ઝટકા સાથે 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ