
- 24x7 કંટ્રોલ રૂમ, 18000 થી વધુ સર્વેલન્સ ટીમ અને 497 વધારાની વેક્ટર કંટ્રોલ ટીમ ક્ષેત્રિય કામગીરીમાં તૈનાત
-6868 મેડિકલ કેમ્પ દ્વારા 1.74 લાખથી વધુ નાગરિકોને સ્થળ પર જ સારવાર પૂરી પાડવામાં આવી
ગાંધીનગર,04 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યમાં તાજેતરમાં જ સર્જાયેલી ભારે વરસાદની આફત વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે સમયસૂચકતા અને પૂર્વ આયોજન સાથે સક્રિય કામગીરી કરી છે.
ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન રાજ્યના 34 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓ માટે મોનસૂન એક્શન પ્લાન તૈયાર કરી તેને અમલી બનાવવામાં આવ્યો હતો. જેના પરિણામે, રાજ્યમાં પૂર અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ છતાં પણ આરોગ્ય વિષયક કોઈ આકસ્મિક કટોકટી સર્જાઈ નથી અને રોગચાળો મહદઅંશે નિયંત્રણ હેઠળ રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડાયેલા લોકોનું રીલીફ કેમ્પમાં નિયમિત મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભારે વરસાદથી પ્રભાવિત અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 675 સગર્ભા માતાઓનું અગાઉથી જ સલામત આરોગ્ય સંસ્થાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમાંથી ૨૭૨ સગર્ભા માતાઓની સફળ સંસ્થાગત પ્રસૂતિઓ કરાવવામાં આવી છે.
રાજ્ય, 34 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં 24x7 આરોગ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમો તેમજ દરેક જિલ્લામાં વાહન અને સ્ટાફ સાથેની વધારાની 5 ઈમરજન્સી મેડિકલ ટીમો પણ સજ્જ રાખવામાં આવી હતી. કટોકટીની સ્થિતિ પહોંચી વળવા 1496-108 એમ્બ્યુલન્સ, 816 PHC/CHC એમ્બ્યુલન્સ તેમજ PHC/CHC ખાતે જનરેટર અને પૂરતો ડીઝલ સ્ટોક ઉપલબ્ધ રખાયો છે.
વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે કુલ 6868 મેડિકલ કેમ્પ યોજીને 1.74 લાખથી વધુ દર્દીઓનું આરોગ્ય તપાસીને સ્થળ પર જ જરૂરી સારવાર આપવામાં આવી હતી.
વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે 18000 થી વધુ સર્વેલન્સ ટીમ દ્વારા દૈનિક ઘરે-ઘરે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા 1.05 કરોડથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સ અને 10.29 લાખથી વધુ ORS પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની ગુણવત્તા જાળવવા 10.52 લાખથી વધુ રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે અને પાણીની પાઇપલાઇનમાં પડેલા 3061 થી વધુ લીકેજનું યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
કટોકટીની કોઇપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે 1.5 કરોડથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સ, 60 લાખથી વધુ ORS તેમજ 1,38,234 એન્ટી સ્નેક વેનમ (ASV) ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પૂરના સમયે સર્પદંશના બનાવો સામે ત્વરિત સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવામાં પણ એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન ઉપલબ્ધ રખાયા હતા.
હાલમાં વરસાદ શાંત થયા બાદ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાના 562 ગામોમાં 7.61 લાખથી વધુ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને લેપ્ટોસ્પાયરોસીસ અટકાયત માટે કેમોપ્રોફાયલેક્સિસ (ડોક્સિસાયક્લિન) આપવામાં આવી છે. વાહકજન્ય રોગો અટકાવવા વધારાની 497 વેક્ટર કંટ્રોલ ટીમ નિમવામાં આવી છે, જે ક્ષેત્રિય સ્તરે એન્ટી-લાર્વલ અને જાગૃતિ કેળવવાની કામગીરી કરી રહી છે.
આ ઉપરાંત 106 હાઇરિસ્ક ધરાવતા ગામોમાં IRS સ્પ્રેના છંટકાવનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે અને 1 ઓગસ્ટથી બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. મચ્છરોનું ઉત્પાદન અટકાવવા કાયમી 4998 પાણીના સંગ્રહસ્થાનોમાં પોરાભક્ષક (ગંભૂસિયા) માછલીઓ મૂકવામાં આવી છે, જેથી પોરાઓને વિકસતા અટકાવી શકાય.
આટલું જ નહિ, આરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ, આશા બહેનો અને વેક્ટર કંટ્રોલ ટીમો દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને નાગરિકોને ચોમાસા દરમિયાન રોગચાળાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ અને કટિબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ