
અમદાવાદ,04 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં વરસાદી વિરામ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો નાથવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
શહેરમાં આવેલી વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટો પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં 16 સાઈટોને સીલ કરી દેવામાં આવી છે.
આ સિવાય 349 સાઈટોને નોટિસ આપી કુલ ₹10.11 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.1,016માંથી 211 સાઈટ પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા.શાહીબાગ સિવિલ અને નવરંગપુરાની સાઈટો સીલ, આરોગ્ય વિભાગની ટીમોએ છેલ્લા બે દિવસમાં 1,016 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટો પર તપાસ હાથ ધરી હતી, જેમાંથી 211 સાઈટ પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા.
શાહીબાગ સિવિલ હોસ્પિટલની નવી બાંધકામ સાઈટ તેમજ નવરંગપુરા સ્થિત 'ઓસ્ટીન 5' અને 'આમ્રપાલી' સહિતની 16 કન્સ્ટ્રક્શન સાઈટો પર મચ્છરોનો ભારે ઉપદ્રવ મળતાં તેને સીલ કરી દેવાઈ છે. આ સાઈટો પર કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવા માલિકો અને મેનેજરોને કડક સૂચના અપાઈ છે.
આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યા મુજબ, તમામ ડેવલોપર્સને ભરાયેલા પાણી પર ઓઇલનો છંટકાવ કરવા આદેશ અપાયો છે. આ ઉપરાંત અગાસી કે પહોંચી ન શકાય તેવી 596 જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા, 1,896 જેટલા ઓઇલ બોલ નાખવામાં આવ્યા છે જેથી મચ્છરોના બ્રીડિંગ અટકાવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ