
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, રાધનપુર સેવા કેન્દ્ર દ્વારા નશા મુક્ત ભારત – વિકસિત ભારતના સંકલ્પ સાથે '10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા' મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મિશન સ્વર્ણિમ અંતર્ગત યોજાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકોએ વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ડીવાયએસપી કૃણાલસિંહ ચૌધરીએ જણાવ્યું કે નશાનું વ્યસન વ્યક્તિ, પરિવાર અને સમગ્ર સમાજ માટે નુકસાનકારક છે. તેમણે યુવાનોને વ્યસનથી દૂર રહી શિક્ષણ, રમતગમત અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની અપીલ કરી તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના જનજાગૃતિ અભિયાનની પ્રશંસા કરી.
કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને તમાકુ, દારૂ, ગુટખા, ગાંજો સહિત તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. હમીરભાઈ સહિત શહેરના અગ્રણી મહાનુભાવો અને સામાજિક કાર્યકરોએ પણ વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
બ્રહ્માકુમારી સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે વ્યસન અનેક સામાજિક અને પારિવારિક સમસ્યાઓનું મૂળ છે. રાજયોગ ધ્યાન, આધ્યાત્મિકતા અને સકારાત્મક જીવનમૂલ્યો દ્વારા વ્યક્તિને નશામુક્ત બનાવી સ્વસ્થ અને સુખી સમાજનું નિર્માણ કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ