
જામનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શહેરમાં પનીર અને અન્ય દૂધજન્ય ખાદ્ય પદાર્થોના વેચાણ પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીઓ અને પનીર વેચતા કુલ 17 વેપારીઓને ત્યાં તપાસ દરમિયાન અંદાજે 27 કિલો અખાદ્ય પનીર મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
મનપાની ફૂડ શાખાની ટીમે, શહેરના કુલ 17 સ્થળોએ તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન પનીરની ગુણવત્તા, સંગ્રહ કરવાની પદ્ધતિ તેમજ સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન વાસી, દૂષિત અને માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનું જણાતા અંદાજે 27 કિલો પનીરનો નાશ કરાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પનીરના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
ત્યારબાદ આજે સતત બીજા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. ખાસ કરીને જામનગરના પવનચક્કીથી લઈને લાલપુર બાયપાસ સુધીના, રણજીત સાગર રોડ પર આવેલા તમામ હોટલ રેસ્ટોરન્ટ વગેરેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને જુદી જુદી બે ટીમોને દોડતી કરવામાં આવી છે.
ફૂડ શાખાએ વેપારીઓને ચેતવણી આપી છે કે, ગુણવત્તા વિનાનું અથવા અખાદ્ય પનીર વેચતા ઝડપાશે તો તેમની સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે કડક ચેકિંગના નિર્દેશો આપ્યા બાદ સમગ્ર ગુજરાતમાં તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ પણ બે દિવસથી આ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt