
અમરેલી, 05 ઓગસ્ટ (હિ.સ.) : અમરેલી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ તડીપારના હુકમનો ભંગ કરનાર અને છેલ્લા બે મહિનાથી ફરાર ચાલતા આરોપી હરસુખ સોલંકીની ધરપકડ કરી હુકમની અસરકારક બજવણી કરી છે. આરોપી સામે અગાઉ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી તડીપારનો હુકમ જાહેર કરવામાં આવ્યો હતો, છતાં તે ફરાર રહી હુકમનું પાલન કરતો ન હતો.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. સતત દેખરેખ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ તડીપારના હુકમની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હરસુખ સોલંકીને અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને રાજકોટ જિલ્લાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી છ માસ માટે તડીપાર કરવામાં આવ્યો છે. આવા હુકમનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમરેલી એલસીબીની આ સફળ કામગીરીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના પોલીસના પ્રયાસોને વધુ મજબૂતી મળી છે. પોલીસ વિભાગે જણાવ્યું છે કે જાહેર સુરક્ષાને ખલેલ પહોંચાડતા અને કાયદાનું ઉલ્લંઘન કરનાર તત્વો સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai