
ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મહત્વની સફળતા મળી છે. એલસીબીની ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન ઘોઘા રોડ પર મોખડાજી ગોહિલ સર્કલ નજીક પોલીસ ચોકી પાસે હતી ત્યારે બાતમી મળી હતી કે ઘોઘા રોડ વિસ્તારમાં રહેતો અર્જુન રણજીતભાઈ મકવાણા પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી મારુતિ સુઝુકી ઇકો કાર મારફતે તેની હેરફેર કરી રહ્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતાં કારમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલપેક બોટલો તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 1,116 દારૂની બોટલો અને 96 બીયરના ટીન કબજે કર્યા હતા.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઓફિસર ચોઇસ પ્રાઇમ વ્હીસ્કીની 108 બોટલો, ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કીની 1,008 બોટલો અને કિંગફિશર રીગલ સ્ટ્રોંગ બીયરના 96 ટીનનો સમાવેશ થાય છે. ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કાર પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે દારૂ અને વાહન મળી કુલ રૂ. 3,36,648નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અર્જુન રણજીતભાઈ મકવાણા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેના વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA