
બોટાદ, 05 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને જુગાર વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા મળી છે. એલસીબીની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી જુગાર રમતા કુલ 18 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ. 31,290 સહિતનો મુદ્દામાલ કબજે કરી બંને મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ કાર્યવાહી ગઢડા પોલીસ સ્ટેશન હદના ભીમડાદ ગામની સીમ વિસ્તારમાં કરવામાં આવી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી જાહેર સ્થળે જુગાર રમતા 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂ. 10,200 સહિત જુગાર રમવાના સાધનો કબજે કરવામાં આવ્યા હતા. આ અંગે ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજી કાર્યવાહી પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી વિરવા ગામે કરવામાં આવી હતી. અહીં પણ એલસીબીની ટીમે સફળ દરોડો પાડી જુગાર રમતા 8 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ રૂ. 21,090 જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે પણ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બંને કાર્યવાહીમાં કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 31,290નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બોટાદ એલસીબી દ્વારા જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA