સુરતમાં નકલી દેશી ઘી બનાવવાનો ભાંડો ફૂટ્યો, ડેરી સંચાલક પોલીસના જાળમાં
સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.) સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી એક ડેરીમાં ભેળસેળયુક્ત ઘીને ''શુદ્ધ દેશી ઘી'' તરીકે વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોકબજાર પોલીસ અને ઝોન-3 એલસીબીની ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને દરોડો પા
Surat


સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.) સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી એક ડેરીમાં ભેળસેળયુક્ત ઘીને 'શુદ્ધ દેશી ઘી' તરીકે વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોકબજાર પોલીસ અને ઝોન-3 એલસીબીની ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વનસ્પતિ ઘી, પામોલીન અને સોયાબીન તેલ સહિતનો જથ્થો, હળદર પાવડર તેમજ ઘી તૈયાર કરવા માટે વપરાતી મશીનરી અને અન્ય સાધનો મળી આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે વનસ્પતિ ઘી અને તેલને ગરમ કરીને તેમાં હળદર ભેળવવામાં આવતી હતી, જેથી તે દેશી ઘી જેવો રંગ અને દેખાવ મેળવે. બાદમાં આ મિશ્રણને 15 કિલોના ડબ્બામાં ભરી સીલ કરીને FSSAI લાયસન્સના નામે 'શુદ્ધ દેશી ઘી' તરીકે છૂટક અને જથ્થાબંધ બજારમાં વેચવામાં આવતું હતું. સ્થળ પરથી લેવાયેલા નમૂનાઓના લેબોરેટરી પરીક્ષણમાં આ ઘી માનવ આરોગ્ય માટે અસુરક્ષિત હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

આ કેસમાં પોલીસે ડેરીના સંચાલક રાજેશકુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન આશરે 34.05 કિલોગ્રામ નકલી ઘી, કાચો માલ, મશીનરી અને મોબાઇલ સહિત કુલ રૂ. 43,535નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ ચોકબજાર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના નેટવર્ક અંગે પણ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande