
સોમનાથ,5 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકારના‘નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ઈણાજ ખાતે“મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદા બાંભણીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદા બાંભણીયાએ જણાવ્યું હતું કે, સમાજના વિકાસ માટે મજબૂત સ્તંભ એટલે નારીશક્તિ. આજની મહિલા શિક્ષણ, વિજ્ઞાન, વહીવટ, રમતગમત અને અવકાશ સહિત દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. સમાજમાં પ્રેરણાદાયી કાર્ય કરનાર મહિલાઓનું સન્માન કરવું એ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે.
આ પ્રસંગે બાલિકા પંચાયતના ઉપસરપંચએ બાલિકા પંચાયતની કામગીરી, પંચાયતી રાજ વ્યવસ્થા, સામાજિક જવાબદારી અને નેતૃત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઉપસ્થિત યુવતીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલ રાઠોડે જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો છે. તેમણે ઉપસ્થિત બાલિકા પંચાયતના સભ્યો અને મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય નેતૃત્વની ભૂમિકા નિભાવવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમની રૂપરેખા આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ આસિસ્ટન્ટ મમતા ડોડિયાએ રજૂ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બાલિકા પંચાયતના પ્રતિનિધિઓને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત સામાજિક અને જાહેર સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ બાદ જિલ્લા સેવા સદન કેમ્પસ ખાતે મહાનુભાવો, પૂર્ણા યોજના અંતર્ગત કાર્યરત બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની ઉપસ્થિતિમાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર્તા બહેનો, બાલિકા પંચાયતના સભ્યો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, ડી.એચ.ઈ.ડબલ્યુ. (DHEW)ના ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર તથા સ્ટાફ, પૂર્ણા યોજનાના કન્સલ્ટન્ટ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ