ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો, ડુંગરા પોલીસે બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા
વલસાડ,05 ઓગસ્ટ (હિ.સ.) : ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છરવાડા સ્થિત નેહા કોમ્પ્લેક્સમાં દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ડુંગરા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન મ
આરોપી સાથે ડુંગરા પોલીસ ની ટીમ


વલસાડ,05 ઓગસ્ટ (હિ.સ.) : ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છરવાડા સ્થિત નેહા કોમ્પ્લેક્સમાં દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ડુંગરા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ અંદાજે ₹42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ સામે અગાઉ પણ ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તા. 30 જુલાઈ, 2026ના રોજ બપોરે અંદાજે 12:00થી 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન છરવાડા સ્થિત નેહા કોમ્પ્લેક્સના ફ્લેટ નં. 205નું તાળું તોડી અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલી બેગમાંથી ₹50 હજારની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ PI બી.એન. ગોહિલના માર્ગદર્શન અને PSI કે.આર. ચોટલિયાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળ તથા આસપાસના CCTV ફૂટેજનું વિશ્લેષણ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે મોહમદ શાહનવાઝ શેખ, મૂળ ભાગલપુર (બિહાર) અને તસ્લીમ ઉર્ફે ગોટા ખાન, મૂળ કાનપુર (ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ દિવસ દરમિયાન ફ્લેટનું તાળું તોડી રોકડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પકડાયેલા આરોપીઓ પાસેથી ₹28,000 રોકડ, વનપ્લસ કંપનીનો મોબાઇલ (કિંમત ₹5,000) અને આઇટેલ કંપનીનો મોબાઇલ (કિંમત ₹9,000) મળી કુલ અંદાજે ₹42 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મોહમદ શાહનવાઝ સામે અગાઉ ચોરી અને આર્મ્સ એક્ટના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે તસ્લીમ ઉર્ફે ગોટા સામે વર્ષ 2021 અને 2025 દરમિયાન ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. બંનેની અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આ સફળ કામગીરીમાં PI બી.એન. ગોહિલ, PSI કે.આર. ચોટલિયા સહિત ડુંગરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અન્ય પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બંને આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande