






કચ્છ, 05 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં અભ્યાસથી વંચિત રહી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસોને વધુ ગતિ આપતા ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત ભુજ સ્થિત રિજીયોનલ સાયન્સ સેન્ટરથી રાપર ડેપોની ચાર એસ.ટી. બસોને વર્ચ્યુઅલ રીતે રવાના કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા સંકલિત પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી અને આ પહેલને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી.
કલેક્ટરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2024માં શરૂ થયેલી આ પહેલ આજે અનેક બાળકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. શિક્ષણથી દૂર રહેલા બાળકોને ફરી શાળાના વાતાવરણ સાથે જોડવાનું કાર્ય માત્ર સરકારી યોજના નહીં પરંતુ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે જિલ્લા શિક્ષણ વિભાગ, એસ.ટી. નિગમ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને બિરદાવતાં કહ્યું કે જ્યાં પરિવહનની મુશ્કેલી હશે ત્યાં પણ બાળકોના શિક્ષણ માટે જરૂરી તમામ સહયોગ આપવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે આ અભિયાનને પૂર્વ કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ શરૂઆત મળી હતી અને હવે તે સમગ્ર રાજ્ય માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે વિવિધ સામાજિક સંસ્થાઓના સહકારથી ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કચ્છના શૈક્ષણિક પરિણામોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
‘ઇસાર’ સંસ્થાના સેજલબેન જોશીએ સંસ્થાએ કેવી રીતે અભ્યાસ છોડી ચૂકેલા બાળકોને શોધી ફરી શાળામાં પ્રવેશ અપાવ્યો તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં કચ્છના અન્ય તાલુકાઓમાં પણ આ અભિયાનનો વ્યાપ વધારી વધુ બાળકોને શિક્ષણનો લાભ પહોંચાડવામાં આવશે.
સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. થોરીયારી ગામની વિદ્યાર્થીની આશાબેન લુહારે પોતાની સંઘર્ષમય શિક્ષણયાત્રા રજૂ કરતાં ઉપસ્થિત સૌને ભાવવિભોર કર્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, એસ.ટી. નિગમ, ‘ઇસાર’ સંસ્થા, કચ્છ મહિલા વિકાસ સંગઠન તેમજ વિવિધ તાલુકાઓના શિક્ષણ અધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમે એ સંદેશ આપ્યો કે સરકાર, સમાજ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે તો શિક્ષણથી વંચિત કોઈપણ બાળક સુધી જ્ઞાનનો પ્રકાશ પહોંચાડી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar