ગેરકાયદે રેતી માફિયાઓ પર કચ્છમાં તંત્રનો કડક ઘા: અબડાસામાં દરોડા દરમિયાન રૂ. 45 લાખનું એક્સકાવેટર જપ્ત
કચ્છ, 05 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને નાથવા માટે જિલ્લા વહીવટીતંત્રે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. અબડાસા તાલુકાના ગુડથર વિસ્તાર ખાતે સાદી રેતીના ગેરકાયદેસર ખનન અંગે મળેલી માહિતીના આધારે આજે ખાણ અને ખનિજ વિભાગની વિશ
ગેરકાયદેસર રેતી ખનનમાં પકડાયેલ એક્સવેટર


કચ્છ, 05 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને નાથવા માટે જિલ્લા વહીવટીતંત્રે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. અબડાસા તાલુકાના ગુડથર વિસ્તાર ખાતે સાદી રેતીના ગેરકાયદેસર ખનન અંગે મળેલી માહિતીના આધારે આજે ખાણ અને ખનિજ વિભાગની વિશેષ ટીમે અચાનક દરોડો પાડતા ખનન માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ખનન માટે ઉપયોગમાં લેવાતું એક્સકાવેટર મશીન કબજે લેવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારીયાના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. ગેરકાયદેસર રીતે કુદરતી સંપત્તિનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતાં તાત્કાલિક મશીન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર કબજે કરાયેલા એક્સકાવેટરની અંદાજિત કિંમત આશરે રૂ. 45 લાખ જેટલી થાય છે. જપ્ત કરાયેલ મશીનને આગળની કાયદેસરની કાર્યવાહી માટે નલિયા પોલીસ સ્ટેશનના કબજામાં સોંપવામાં આવ્યું છે. હવે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ જવાબદારો સામે કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

તાજેતરના સમયમાં જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન, ખનિજોના અનધિકૃત પરિવહન અને બિનઅધિકૃત સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્ર સતત સતર્ક બન્યું છે. કુદરતી સંસાધનોના સંરક્ષણ સાથે સરકારને થતી આવકની નુકસાની અટકાવવા માટે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. આવી કાર્યવાહીઓથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું પણ માનવામાં આવે છે.

ખાણ અને ખનિજ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરીને ખનન કે ખનિજ પરિવહન કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે સતત ચેકિંગ અને દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય ગેરકાયદેસર ખનન અથવા ખનિજ પરિવહન થતું નજરે પડે તો તેની જાણ તાત્કાલિક સંબંધિત તંત્રને કરી કુદરતી સંપત્તિના સંરક્ષણમાં સહભાગી બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande